આમચી મુંબઈ

દરેક ગુના વખતે દેખાવ અને કપડાં બદલનારો હાઈપ્રોફાઈલ ચેનસ્નેચર શૂઝને કારણે પકડાયો…

આરોપીનાં બન્ને સંતાન એન્જિનિયર-સીએ, ભાઈ-બહેન વિદેશમાં અને પોતાનો વ્યવસાય છે

મુંબઈ: હાઈપ્રોફાઈલ પરિવાર, સંતાનો ઉચ્ચ શિક્ષિત અને પોતાનો વ્યવસાય છતાં ઑનલાઈન કૅસિનો અને જુગારના નાદમાં ચેનસ્નેચિંગ જેવા ગુના કરવા પ્રેરાયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. ધરપકડ ટાળવા અત્યંત સાવધ રહેતો આરોપી દરેક ગુના વખતે પોતાનો દેખાવ અને કપડાં બદલતો હતો, પરંતુ શૂઝ એ જ પહેરતો હોવાને કારણે લૉકઅપભેગો થયો હતો.

સાયન પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહન કોકાટે (49) તરીકે થઈ હતી. તેની પાસેથી 1.20 લાખ રૂપિયાની મતા હસ્તગત કરવામાં આવી હતી. આરોપીએ મુંબઈ અને નવી મુંબઈના વિવિધ પરિસરમાં ચેનસ્નેચિંગ કરીને આતંક મચાવી રાખ્યો હતો. માત્ર જાન્યુઆરીમાં જ તેની વિરુદ્ધ પાંચ એફઆઈઆર નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સાયનમાં રહેતી એક મહિલા 25 જાન્યુઆરીએ રસ્તા પરથી ચાલતી જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલો આરોપી મહિલાએ પહેરેલું મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયો હતો. જોકે એ મંગળસૂત્ર નકલી હતું. સોનાનું હોવાનું માની આરોપીએ તે આંચકી લીધું હતું. મંગળસૂત્ર સોનાનું ન હોવાથી મહિલા ફરિયાદ નોંધાવવા માગતી નહોતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે અલગ અલગ વિસ્તારમાં લાગેલા 80થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. દરેક ફૂટેજમાં આરોપી અલગ અલગ હેલ્મેટ અને કપડાં પહેરેલો નજરે પડતો હતો. પોલીસથી બચવા સચેત રહેતો આરોપી દરેક ગુના વખતે પોતાનો દેખાવ અને કપડાં બદલતો હતો, જેથી પોલીસ તેની ઓળખ ન મેળવી શકે, પરંતુ આરોપીની એક ભૂલ પોલીસને તેના સુધી દોરી ગઈ હતી.

પોલીસે દરેક સીસીટીવીનાં ફૂટેજ ધ્યાનથી જોતાં આરોપી ભલે હેલ્મેટ અને કપડાં બદલતો હોવાનું જણાયું હતું, પરંતુ તે શૂઝ માત્ર એક જ પહેરતો હતો. શૂઝને આધારે પોલીસે ફૂટેજનું નિરીક્ષણ કરતાં ગુનામાં તેણે નેરુળથી ચોરેલી બાઈક વાપરી હોવાની ખાતરી થઈ હતી. આ બાઈક થાણેના તીન હાથ નાકા પરિસરમાં દેખાઈ હતી.

આરોપી ગુનો આચર્યા પછી તીન હાથ નાકા પરિસરમાં બાઈક પાર્ક કરતો અને પછી ચાલતો પોતાના ઘરે જતો હતો. પોલીસે છટકું ગોઠવી રાખી આરોપીને પકડી પાડ્યો હતો.તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કોકાટેનાં સંતાન એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેનો ભાઈ અમેરિકામાં, જ્યારે બહેન દુબઈમાં રહે છે.

2011માં તે જેલમાં પણ ગયો હતો. પછી પિતા સાથે તે ગાર્ડનિંગના વ્યવસાયમાં જોડાયો હતો. તેને ઑનલાઈન કૅસિનો અને જુગાર રમવાની લત હતી, જેને પગલે શ્રીમંત પરિવારનો હોવા છતાં તે ચોરીને રવાડે ચડ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button