લોકસભા ચૂંટણીના પ્રચારમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને ચાંદી
મુંબઈ: ઇન્ટરનેટના જમાનામાં પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાની સાથે ઇન્ટરનેટ પર રહેલી પ્રજાને એટલે કે ‘નેટિઝન્સ’ને પણ રાજી કરવા રાજકારણીઓ માટે જરૂરી બની ગયું છે. યુવાનો તો ઠીક હવે બધા જ વર્ગના લોકો ફેસબુક, યુટ્યૂબ કે પછી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને ભરપૂર રીલ્સ જુએ છે. આ લોકસભાની ચૂંટણી દરમિયાન રિલ્સનો ઉપયોગ કરી પોતાનો પ્રચાર કરવાની તક પણ રાજકારણીઓએ ઝડપી લીધી છે.
રાજકારણીઓ હજારો કે પછી લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પોતાના પ્રચાર કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. લોકો પોતાના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સની રીલ્સ પર પોતાનો પ્રચાર સાંભળે અને મત આપે એ માટે રાજકારણીઓ પૈસા પણ ખર્ચવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ ઇન્ફ્લુઅન્સર્સ રાજકારણીઓના પ્રચાર માટે પચીસ લાખ રૂપિયા જેટલી રકમ વસૂલે છે.
હાલમાં જ વડા પ્રધાન મોદીએ પણ દેશના ટોચના ઇન્ફ્લુએન્સર્સને બોલાવીને તેમની માટે એવૉર્ડ શૉનું આયોજન કર્યું હતું અને વિવિધ કેટેગરીમાં તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
ભાજપના નેતા મુરલીધર માહોળે પણ હાલમાં જ 500થી 600 સ્થાનિક ઇન્ફ્લુએન્સર્સને એક મંચ પર બોલાવ્યા હતા. આ ઉપરાંત નીતેશ રાણેએ પણ ‘કોંકણ સન્માન પુરસ્કાર’નું આયોજન કર્યું હતું જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને માન આપવામાં આવ્યું હતું. એટલે ટેક્નોલોજી અને ઇન્ટરનેટની સાથે સાથે ચૂંટણી પ્રચાર પણ હવે મોડર્ન બનતો જાય છે અને રાજકારણીઓ પણ તેનો ઉપયોગ કરવામાં જરાય પાછળ રહ્યા નથી, તેવું જણાય છે.