આમચી મુંબઈ

Central railways પર સવારે સિગ્નલ ફેઈલ્યોરે તો સાંજે વરસાદે મુંબઈગરાને રડાવ્યા…

મુંબઈ: થાણા, કલ્યાણ, ડોમ્બિવલી સહિત મુંબઈ, દાદર, અંધેરી, બોરીવલી સહિત ઉપનગરમાં અનેક ઠેકાણે સોમવારે બપોરે ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતાં મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. મધ્ય રેલવે પર સાંજે થાણા-મુલુંડ વચ્ચે સ્લો લાઈન પર ઓવર હેડ વાયરનો પોલ વચ્ચે તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.

મધ્ય રેલવે પર સાંજે જોરદાર પવન સાથે મુશળધાર વરસાદ પડતાં ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને કારણે કામેથી પાછા ફરી રહેલા મુંબઈગરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય રેલવે પર સ્લો લાઈન પરનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રેલવે ટ્રેક પર એક પછી એક ટ્રેનોની લાઈન લાગેલી જોવા મળી હતી.

ધસારાના સમયે ટ્રેનોના ધાંધિયા જોવા મળતાં રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનો મોડી પડતાં ઘરે પાછા ફરી રહેલાં મુંબઈગરાઓ ટ્રેનોમાં લટકીને પ્રવાસ કરવા મજબૂર થઈ ગયા હતા. મધ્ય રેલવે પર દાદર, થાણા, ઘાટકોપર જેવા મહત્વના સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાના અમારા પ્રયાસો ચાલુ છે. પ્રવાસીઓએ ખૂબ જ સાવધાની રાખવાની ભલામણ કરવામાં આવી છે. થાણે-મુલુંડ વચ્ચે સર્જાયેલી આ ટેકનિકલ ખામીની નોંધ રેલવે દ્વારા લેવામાં આવી છે અને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાના તમામ સંભવત્ પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

સોમવારે અઠવાડિયાના પહેલાં જ દિવસે સવારે પણ ધસારાના સમયે થાણા સ્ટેશન નજીક સિગ્નલ ફેઈલ્યોરની સમસ્યા સર્જાતા ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. આ ટેકનિકલ ખામીને કારણે મધ્ય રેલવે પર બપોર સુધી ટ્રેનો અડધો અડધો કલાક સુધી મોડી દોડી હતી. આ ટેકનિકલ ખામી અંગે પણ મધ્ય રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

બોરીવલી, અંધેરી, વિલેપાર્લે સહિતના પશ્ચિમના ઉપનગરોમાં પણ તોફાન સાથે વરસાદ પડયો હતો. પશ્ચિમ રેલવે પર પણ વરસાદને કારણે ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડી હતી.
આ ઉપરાંત ઘાટકોપર વર્સોવા વચ્ચે મેટ્રો રૂટ પર પણ ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. પરંતુ આ રૂટ પર ટ્રેનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button