હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં લાંચ માગવા બદલ સિડકોના ત્રણ કર્મચારીની ધરપકડ

મુંબઈ: નવી મુંબઈની એક હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં પાંચ લાખ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ સિટી ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો)ના ત્રણ કર્મચારી સહિત ચારની ધરપકડ કરી હતી.
વાશીના સેક્ટર-9 ખાતેની એક સોસાયટીના 54 વર્ષના સેક્રેટરીએ ગયા મહિને નોંધાવેલી ફરિયાદને આધારે એસીબીએ તપાસ હાથ ધરી હતી. ફરિયાદની ચાર વખત ખાતરી કરવામાં આવ્યા પછી બુધવારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: બિલ્ડર પાસેથી લાંચ માગવા બદલ અહમદનગર મહાપાલિકાના કમિશનર વિરુદ્ધ ગુનો
આ પ્રકરણે એસીબીએ સિડકોના કર્મચારીઓ રાહુલ કાંબળે (50), ધનાજી કાળુખે (52) અને મહેશ કામોઠકર સહિત ખાનગી વ્યક્તિ કિશોર મોરે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે 2022માં ફરિયાદી સહિત આઠ જણ કમિટી મેમ્બર તરીકે ચૂંટાઈ આવ્યા પછી ફરિયાદીની સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે થોડા જ સમયમાં પાંચ સભ્યએ રાજીનામાં આપતાં સિડકો દ્વારા સોસાયટીમાં એડ્મિનિસ્ટ્રેટિવની નિમણૂક કરાઈ હતી.
આપણ વાંચો: એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની ધરપકડ
બાદમાં ફરી ચૂંટણી થતાં ફરિયાદી પાછો સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યો હતો, પરંતુ થોડા જ મહિનામાં અધ્યક્ષ સહિત ત્રણ જણે રાજીનામું આપ્યું હતું. બાદમાં આ મામલો સિડકોમાં ગયો હતો, જ્યાં કમિટી બરખાસ્ત કરવાની સાથે કમિટી પર કાર્યવાહી કરવા સંદર્ભે અરજી કરવામાં આવી હતી.
આ અરજી પર સુનાવણી પત્યા પછી ચુકાદો ફરિયાદીની તરફેણમાં આપવા માટે આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી. તડજોડ બાદ 3.50 લાખ રૂપિયા સ્વીકારવાનું નક્કી થયું હતું.
આ પ્રકરણે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ બુધવારે સાંજે છટકું ગોઠવ્યું હતું. સિડકોના કર્મચારીઓ વતી પ્યૂન મહેશ કામોઠકરે લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીએ તેને રંગેહાથ પકડી પાડ્યા પછી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.