શિંદે જૂથને હરાવવા ભાજપે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું? શ્રીકાંત શિંદેએ પ્રતિક્રિયા આપી…

મુંબઈઃ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી ‘દોસ્ત’ નથી હોતો અને કોઈ કાયમી દુશ્મન નથી હોતો. આવું જ કૈંક આજકાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનાર ભારતીય જનતા પાર્ટીએ અંબરનાથ નગર પરિષદમાં કોંગ્રેસ સાથે સીધું જોડાણ કરતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. શિવસેના (શિંદે જૂથ) ના સાંસદ શ્રીકાંત શિંદેએ આ સમગ્ર ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે અંબરનાથમાં ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હોવાથી, ભાજપના નેતાઓએ જ તેનો જવાબ આપવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય શિવસેનાનો નથી અને ન તો શિવસેનાને આ અંગે કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર છે.
આ પણ વાંચો : ભાજપ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને સામેલ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરે છે: સપકાળ
સાંસદ શિંદેએ વાત વાતમાં સંકેત આપ્યો કે ભાજપે શિવસેના (શિંદે જૂથ)ને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની મદદ લીધી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ઘણા પ્રશ્નો ઉભા કરે છે, ખાસ કરીને જ્યારે ભાજપ અને શિવસેના વર્ષોથી કેન્દ્ર, રાજ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે સાથે મળીને કામ કરી રહ્યા છે.
શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન માત્ર રાજકીય જ નહીં, પણ વૈચારિક પણ છે. તેમણે કહ્યું કે આ જોડાણ મજબૂત અને અતૂટ રહેવું જોઈએ, અને કહ્યું કે આવા નિર્ણયો કાર્યકર્તાઓમાં મૂંઝવણ ઊભી કરે છે.
આ પણ વાંચો : કોંગ્રેસ-AIMIM સાથે ભાજપના ગઠબંધન મામલે ફડણવીસ લાલઘૂમ! નેતાઓ સામે કાર્યવાહીના આદેશ…
તેમણે યાદ અપાવતા કહ્યું કે, અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેના સત્તામાં હતી ત્યારે ત્યાં ઘણા સારા વિકાસ કાર્યો થયા હતા. શિવસેનાએ હંમેશા જનતા વચ્ચે વિકાસની રાજનીતિ કરી છે અને ભવિષ્યમાં પણ આ જ રસ્તો અપનાવવામાં આવશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે શિવસેનાનું વલણ સ્પષ્ટ છે. જે વિકાસની રાજનીતિ કરશે શિવસેના તેની સાથે રહેશે. તેની પ્રાથમિકતા સત્તા માટે સમાધાન નહીં, પરંતુ જનહિતમાં નિર્ણયો લેવાની રહેશે.



