આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડેમના ગેટ પાસે બેસીને ગટ્ટારીની ઉજવણી કરવી પડી ભારે…

ગટ્ટારી પાર્ટીની ઉજવણી કરવા આવેલા પાંચ લોકો તેમની કાર સહિત તાનસા નદીમાં તણાઇ જવાની ઘટના બની છે. તેમાંથી ત્રણ જણ કારમાંથી કૂદીને જાન બચાવવામાં સફળ રહ્યા હતા, પણ બે જણ કારમાં જ ફસાઇ ગયા હતા. તેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે અને એકની શોધ હજુ ચાલુ છે.

હિંદુ ધર્મમાં બારે મહિનામાં વિવિધ તહેવારો આવે છે અને લોકો તેને આનંદથી ઉજવે છે. એવો જ એક તહેવાર છે ગટ્ટારી. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા આવતી અમાવસ્યાને ગટ્ટારી કહેવાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ ખાતા લોકો પણ માંસાહારનો ત્યાગ કરે છે. ઘણા લોકો આ માસમાં દારૂના સેવનને પણ વર્જ્ય ગણે છે. શ્રાવણ માસ પહેલા ગટ્ટારીના દિવસે લોકો ખાનપાન, મોજમસ્તી, દારૂ વગેરે પાર્ટીનું આયોજન કરતા હોય છે, પરંતુ આવી જ એ પાર્ટી પાંચ જણ માટે જીવલેણ સાબિત થઇ હતી. આ ઘટના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના તાનસા ડેમ વિસ્તારમાં બની હતી.

શનિવાર અને રવિવાર રજાનો દિવસ હોવાથી શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા જ હજારો પ્રવાસીઓ ગટ્ટરીની ઉજવણી કરવા માટે કુદરતી રમણીય વિસ્તારોની નજીક પાર્ટી કરવા જતા હોય છે. આવી જ રીતે ગટ્ટારીની ઉજવણી કરવા પાંચ મિત્રો ભેગા થયા હતા. તેઓ કારમાં કલ્યાણથી શાહપુર તાલુકાના તાનસા અભયારણ્યમાં ગયા હતા. તેઓ તાનસા ડેમના ગેટ નંબર એક નીચે કારમાં પાર્ટી કરી રહ્યા હતા ત્યારે તાનસા ડેમના ઓટોમેટિક 24 દરવાજા અચાનક ખુલી ગયા હતા અને એમાંથી અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો. ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. આને કારણે કાર સહિત આ પાંચે લોકો નદીમાં પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. તેમાંથી ત્રણ જણ કારમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પણ કારમાં બે જણ ફસાઇ ગયા હતા અને કાર સાથે પાણીના ભારે પ્રવાહમાં તણાઇ ગયા હતા.

સ્થાનિક નાગરિકોની મદદથી મૃતકો પૈકી એક- ગણપત ચીમાજી શેલકંદેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. કારમાં શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું હતું. હજુ એક વ્યક્તિ ગુમ છે. તેની શોધ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button