આમચી મુંબઈ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે.

મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ‘ડીપ ક્લીન ડ્રાઈવ’ હાથ ધરી છે, જેમાં દર શનિવારે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને શનિવાર નવ ડિસેમ્બરે પાંચ પ્રશાસકીય વોર્ડમાં ‘ડીપ ક્લીન ડ્રાઈવ’માં ભાગ લીધો હતો. એ દરમિયાન પાલિકાના અધિકારીએ રસ્તાની યોગ્ય રીતે સફાઈ થઈ છે કે તેની ખાતરી કરવાની જવાબદારી હતી. પરંતુ તાજેતરમાં પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદે (પશ્ર્ચિમ ઉપનગર)ને દહીસરથી બોરીવલી વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અસ્વચ્છ જણાઈ આવ્યો હતો. તેની ગંભીર નોંધ લઈને સોમવારે ઘનકચરા વિભાગના વરિષ્ઠ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે મિકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કરવા છતાં રસ્તાઓની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નહોતી. મુખ્ય પ્રધાન જ્યારે પોતે ડીપ ક્લીન ઝુંબેશમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે એવા સમયે ઉચ્ચ અધિકારી તરફથી આવી બેદરકારી સહન કરી શકાય નહી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો રસ્તાઓ સાફ જ થતા ન હોય તો કૉન્ટ્રેક્ટરને કરોડો રૂપિયા આપવાનો ફાયદો શું? ઘનકચરા વિભાગના વરિષ્ઠ અધિકારીને શો-કોઝ નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આવી જ એક ઘટનામાં મુખ્ય પ્રધાને મઝગાંવ ડોક વિસ્તારમાં સફાઈ સામે અસંતોષ વ્યક્ત કરતા ઈ-વોર્ડના અધિકારીની ટ્રાન્સફર કરી નાખવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button