ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરનારા પરિવારે ટીસીની કરી મારપીટ, ગુનો નોંધાયો

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ટિકિટ વિના લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોએ ટિકિટ કલેક્ટર (ટીસી)ને માર મારવાની ચોંકાવનારી ઘટના બની છે. પશ્ચિમ રેલવેના નાલાસોપારા રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પાલઘરમાં ટીસી તરીકે ફરજ બજાવનાર પ્રદીપકુમાર રાજ સિંહ જ્યારે ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહ્યા હતા ત્યારે એક પરિવાર ટિકિટ વિના પ્રવાસ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ ટીસીએ આ પરિવાર પાસેથી ટિકિટ માગતા લોકોએ તેને માર માર્યો હતો.
ચોથી જાન્યુઆરીએ ટીસી સાથે મારપીટ કરવાની ઘટના મામલે વસઇ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ટીસી ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહ્યા હતા એ વખતે તેમણે એક પ્રવાસી પાસે(અમાન મહોમ્મદલી કુરેશી)થી ટિકિટ માગી હતી, પણ આરોપીએ ટિકિટ બતાવવાની મનાઈ કરતાં ટીસીએ ટિકિટ બતાવવા અથવા 270 રૂપિયાનો દંડ ભરવા જણાવ્યું હતું.
ટીસીની આ વાત સાંભળી આરોપીને ગુસ્સો આવતા તેણે ટીસી સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ તેની માતા અને બહેનને બોલાવી ટીસીને માર મારવાની ઘટના બની હતી. એટલે સુધી કે ટીસીની મારપીટ કરી ત્યારે ટીસીને બચાવવા માટે કોઈ પ્રવાસી આગળ આવ્યા નહોતા.
આ ઘટના બાદ ટીસી પ્રદીપકુમાર રાજ સિંહે વસઇ સ્ટેશન પર ઉતરી આરોપી પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે ટીસીની ફરિયાદ પર આરોપી અમાન, તેની માતા રૂબીના અને બહેન આયેશા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરેક આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. નાલાસોપારા રેલવે સ્ટેશને ટ્રેનમાં ત્રણ લોકોએ ટીસીની મારપીટ કરવાના કિસ્સામાં બે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે તેમાં તપાસ હાથ ધરી છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.