સિદ્દીકીને ગોળી માર્યા બાદ શૂટર ત્યાંજ રોકાયો હતો…, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
એનસીપી અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં નવા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 19 નવેમ્બર સુધી સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ પાંચ લોકોમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાનો પણ સમાવેશ થાય છે.
શિવકુમાર ગૌતમની રવિવારે બહરાઈચમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શિવાએ બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગના અનમોલ બિશ્નોઈએ બાબા સિદ્દીકી કે જીશાન સિદ્દીકીને મારવાનું કામ સોંપ્યું હતું. સિદ્દીકીની હત્યા બાદ શિવાએ ઉજ્જૈન, પછી વૈષ્ણોદેવી જઇને વિદેશ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો જે સફળ થયો નહોતો.
શિવાએ પોલીસને જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યા કર્યા બાદ તે તરત જ ત્યાંથી ફરાર થયો ન હતો. તે કપડાં બદલીને સિદ્દીકીની હત્યા બાદ એકઠી થયેલી ભીડમાં ઊભો રહ્યો હતો. ત્યાર બાદ તે રિક્ષાથી કુર્લા સ્ટેશન પહોંચ્યો હતો.
ત્યાંથી તે લોકલ પકડી થાણે ગયો હતો. ત્યારબાદ તેણે થાણા સ્ટેશનથી એક્સપ્રેસ ટ્રેન પકડી હતી અને સવારે 3 વાગ્યાની આસપાસ પુણે પહોંચ્યો હતો. તેણે પોતાનો મોબાઈલ ત્યાં ફેંકી દીધો હતો.
શિવા સાત દિવસ સુધી પુણેમાં રોકાયો હતો, ત્યારબાદ તે ટ્રેનમાં ઝાંસી ગયો હતો અને ત્યાં પાંચ દિવસ રોકાયો હતો. બાદમાં તે લખનઊ પહોંચ્યો હતો. લખનઊમાં તેણે નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો અને તેના સાથીઓનો સંપર્ક કર્યો હતો. લખનઊમાં તે 11 દિવસ રોકાયો હતો.
Also Read – બાબા સિદ્દીકીને પતાવવા મહિનાથી શૂટરોને મોકાની તલાશ હતી
ત્યાર બાદ તે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરી બહરાઇચ પહોંચી ગયો હતો, જ્યાં તેના સાથીઓએ નજીકના ગામમાં તેના માટે સલામત સ્થળની વ્યવસ્થા કરી હતી. તે 10 નવેમ્બરે બહરાઈચથી નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
શિવાએ પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું છે કે સિદ્દીકીની હત્યા કરતા પહેલા તેણે અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી, જેણે તેનું મનોબળ વધાર્યું હતું. તેને તેના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. હત્યા બાદ તે તેના સાથીદારો સાથે વીઓઆઈપી કોલ દ્વારા વાત કરતો હતો.