શોકિંગઃ નવી મુંબઈમાં GRPના હેડ કોન્સ્ટેબલની ઘાતકીપણે હત્યા
બે અજાણ્યા શખસે ગળું દબાવ્યા બાદ ટ્રેનની સામે ધકેલી દીધો કોન્સ્ટેબલને…
મુંબઈ: દિવસે દિવસે ક્ષુલ્લક બાબતમાં પણ મોટા વિવાદ થતા હોય છે, જે ક્યારેક મોટા ગુનામાં પરિણમતા હોય છે. તાજેતરમાં નવા વર્ષના પહેલા દિવસે બે શખસે જીઆરપીમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલની ક્રૂર રીતે હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું હતું.
નવી મુંબઈમાં રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલનું બે અજાણ્યા શખસે ગળું દબાવ્યા બાદ તેને દોડતી ટ્રેન સામે ધકેલીને મારી નાખ્યો હોવાની અત્યંત હચમચાવનારી ઘટના જાણવા મળી હતી. મોટરમેને આપેલી માહિતી પરથી પોલીસ હવે બંને હત્યારાની શોધ ચલાવી રહી છે.
આપણ વાંચો: સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ
બુધવારે સવારે બનેલી આ ઘટનામાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલની ઓળખ વિજય રમેશ ચવાણ (40) તરીકે થઇ હતી, જે પનવેલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)માં કાર્યરત હતો. ચવાણ જળગાંવનો વતની હતો અને નવી મુંબઈમાં રહેતો હતો.
ચવાણને દોડતી ટ્રેન સામે ધકેલીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમમાં ચવાણનું ગળું દબાવ્યું હોવાના નિશાન મળી આવ્યાં હતાં. ઉપરાંત તેને ટ્રેન સામે ધકેલી દેવાતાં તેના માથામાં પણ ઇજાઓ થઇ હતી, એમ જીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રેનના મોટરમેને પોલીસને આપેલી માહિતી અનુસાર બુધવારે સવારે 5.25 અને 5.32 વચ્ચે સફેદ શર્ટ પહેરેલા બે અજાણ્યા શખસે રબાલે અને ઘનસોલી રેલવે સ્ટેશન વચ્ચે ચવાણને દોડતી ટ્રેન સામે ધકેલી દીધો હતો. ઘટના બાદ વાશી જીઆરપી દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ હત્યારાની શોધ માટે અનેક ટીમ તૈયાર કરવામાં આવી છે. આરોપીઓ ઝડપાયા બાદ હત્યા પાછળનું ચોક્કસ જાણી શકાશે, એમ અધિકારીએ કહ્યું હતું.