શિવસેના (યુબીટી) અને મનસે મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ‘ચોક્કસ’ ભેગા લડશે: રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી અને તેમના પિતરાઈ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ‘ચોક્કસ’ રીતે ભેગા મળીને લડશે.
મહિનાઓની અટકળો પછી અઢી દાયકા પહેલા અલગ પડી ગયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે હિન્દી ‘લાદવા’નો વિરોધ માટે ફરી ભેગા થયા હતા, અને આ નિર્ણય પાછો ખેંચાયા પછી તેમણે સંયુક્ત ‘વિજય’ કાર્યક્રમ પણ યોજ્યો હતો.
આ પણ વાંચો: ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે
નવી દિલ્હીમાં પત્રકારોએ, રાજ્યસભાના સાંસદ રાઉતને મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માટે સેના (યુબીટી) અને મનસે સાથે આવવાની શક્યતા વિશે પૂછવામાં આવતાં તેમણે સકારાત્મક જવાબ આપ્યો હતો.
‘ચોક્કસ’, એમ તેમણે કહ્યું હતું. ‘બંને ઠાકરે સાથે આવશે અને આ અંગે ચર્ચા કરશે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
શિવસેનાનો અઢી દાયકાથી ગઢ રહેલા મુંબઈ મનપા સહિત રાજ્યની બધી જ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં યોજાવાની છે.
રાઉતે કહ્યું હતું કે પિતરાઈ ભાઈઓ વચ્ચેના સંબંધોને કારણે સેના (યુબીટી) અને મનસેના કાર્યકરોને વિશ્ર્વાસ છે કે આ યુતી મુંબઈ, પુણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીની પાલિકામાં બહુમતી મેળવશે.