શિવસેના મહાયુતિ ગઠબંધન સાથે મળીને મુંબઈ મનપાની ચૂંટણી લડશે એકનાથ શિંદે
પાર્ટીના નેતાઓ/વિધાનસભ્યોની બેઠકમાં કર્યું સ્પષ્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના મહાયુતિના ઘટકપક્ષ તરીકે આવતા વર્ષે યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મનપા) ની ચૂંટણી લડશે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું.
મુંબઈ મનપાના ભૂતપૂર્વ કોર્પોરેટરો, પાર્ટીના વિધાનસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે, મુંબઈ દેશનું પાવરહાઉસ હોવું જોઈએ અને આમ કરવા માટે મહાયુતિએ તેની પાલિકાઓને એ જ રીતે નિયંત્રિત કરવી જોઈએ જેમ તે રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં છે.
શિવસેનાના વડા શિંદેએ કહ્યું હતું કે, ‘મુંબઈ મનપાની ચૂંટણીઓ તમામ 227 વોર્ડમાં મહાયુતિ (ગઠબંધન) તરીકે લડવામાં આવશે.’
ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિના મુખ્ય ઘટકપક્ષો છે.
શિંદેની ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે તેમના મુખ્ય હરીફ શિવસેના (યુબીટી), જે વિપક્ષી એમવીએ નો ભાગ છે, તેમણે એવો સંકેત આપ્યો છે કે તેઓ મુંબઈ મનપાની ચૂંટણી એકલા લડી શકે છે.
શિંદેએ જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે મુંબઈના વિકાસ કાર્યોના સંદર્ભમાં અનેક પગલાં લીધાં છે. તેમણે રસ્તાઓને ખાડામુક્ત બનાવવા, ડીપ-ક્લિનીંગ ડ્રાઈવ, આરોગ્ય વિભાગમાં કામ કરવા માટે લેવામાં આવેલા પગલાંઓની પણ યાદી આપી હતી.
મહાયુતિ સરકારે તેના અઢી વર્ષના કાર્યકાળ (30 જૂન, 2022 – 4 ડિસેમ્બર, 2024)માં કરેલા કાર્યો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિબિંબિત થયા હતા જ્યાં શાસક ગઠબંધને મુંબઈમાં 36 બેઠકોમાંથી 22 બેઠકો જીતી હતી.
તેમના હરીફ અને શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા, શિંદેએ કહ્યું હતું કે, પહેલા સત્તામાં રહેલા લોકોએ એવું કામ કર્યું નથી જે કરવું જોઈતું હતું.
આ પણ વાંચો : શિવસેના મહાયુતિના ભાગરૂપે જ લડશે BMC ચૂંટણી
અવિભાજિત શિવસેનાએ 1997 થી 2022 સુધી સતત 25 વર્ષ સુધી સમૃદ્ધ મુંબઈ મનપા પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
બેઠકમાં, શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ શાસક મહાયુતિ ગઠબંધનના બીજા સૌથી મોટા ઘટક પક્ષને મજબૂત બનાવવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા.
પક્ષના નેતાઓને લાગ્યું કે નવેમ્બર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને મળેલી સફળતાને મુંબઈ મનપાની ચૂંટણી સુધી આગળ ધપાવવી જોઈએ.
પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં 57 બેઠકો પર વિજય મેળવ્યો હતો
શિવસેનાએ મુંબઈમાં ફક્ત છ વિધાનસભા બેઠકો જીતી હતી અને આ બધી ઉપનગરોની હતી. જ્યારે તેની મુખ્ય હરીફ શિવસેના (યુબીટી)એ 10 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
મુંબઈ મનપાના અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ માર્ચ 2022 ની શરૂઆતમાં પૂરો થઈ ગયો હતો અને હવે લગભગ ત્રણ વર્ષ બાદ નવી ચૂંટણીઓ થવાની છે.