BMC ચૂંટણી: 11 જાન્યુઆરીએ ઉદ્ધવ અને રાજ ઠાકરેની સંયુક્ત સભા, જ્યારે 12મીએ મહાયુતિ ગજવશે મેદાન

શિવાજી પાર્કમાં ઠાકરે બંધુઓ વિરુદ્ધ ફડણવીસ-શિંદેનું શક્તિ પ્રદર્શન
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પાલિકા ક્ષેત્રમાં જાહેર સભાઓ, પ્રચાર રેલીઓ યોજાઇ રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સભાઓ પણ યોજાઇ રહી છે.
ઠાકરે બંધુઓની અત્યાર સુધી એક જ સભા યોજાઇ છે. રાજકીય પક્ષો માટે શિવાજી પાર્ક પરની સભાઓની તારીખો નક્કી થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને રવિવારે ૧૧મી તારીખ આપવામાં આવી છે. શિવસેના ભાજપની સંયુક્ત સભા ૧૨મી જાન્યુઆરીએ યોજાશે, ત્યારે ફડણવીસ અને શિંદે શક્તિપ્રદર્શન કરશે.
શિવસેના યુબીટી, મનસે, શિંદેની શિવસેના અને ભાજપ એમ ચાર પક્ષોએ શિવાજી પાર્કમાં સભા યોજવા માટે મુંબઈ પાલિકાને પત્ર લખ્યો હતો. ઉદ્ધવ અને રાજની ૧૧મી જાન્યુઆરીએ સાંજે છ વાગ્યે જાહેર સભા યોજાશે, જ્યારે ફડણવીસ અને શિંદે સેનાની સભા ૧૨મી જાન્યુઆરીએ યોજાશે.
મુંબઈ પાલિકા માટે ઠાકરે બંધુઓ તથા મહાયુતિના ઘટક પક્ષ ભાજપ અને શિંદે વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. મુંબઈ પાલિકાની ચૂંટણી નવ વર્ષ બાદ યોજાઇ રહી છે અને આટલાં વર્ષોથી પાલિકા પર શિવસેનાનું રાજ છે, પરંતુ શિવસેનાના ભાગલાં પડ્યા બાદ કઇ બન્ને શિવસેના (યુબીટી) અને શિંદેની શિવસેના વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. એવામાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવ્યા છે એવામાં જોવાનું રહેશે કે ઠાકરે બંધુઓની જોડી અસર કરશે કે મહાયુતિનાં વચનો લોકોને આકર્ષશે.
શિવાજી પાર્કમાં ઉદ્ધવ-રાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે, જ્યારે ફડણવીસ-શિંદેની સંયુક્ત સભા પણ તેમને ટક્કર આપી શકે છે. લોકોની નજર આ સભાઓ ઉપર ટકેલી છે કે કોણ શ્રીમંત પાલિકા પર કબજો કરવામાં સફળ થશે.



