અઠવાડિયામાં 6 ટકા વ્યાજની લાલચ આપી કરોડોનું કરી નાખ્યું…

મુંબઈઃ રોકાણ પર સપ્તાહમાં છ ટકા વ્યાજે વળતર આપવાને નામે રોકાણકારો સાથે 13.48 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર શિવાજી પાર્ક પોલીસે ટોરેસ બ્રાન્ડ ચલાવતી ખાનગી કંપનીના સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : પાણીને મુદ્દે પાણીપત: બે જૂથ વચ્ચેની અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા…
ખાર પશ્ચિમમાં રહેતા પ્રદીપકુમાર મામરાજ વૈશ્ય (31)એ નોંધાવેલી ફરિયાદને આધારે શિવાજી પાર્ક પોલીસે પ્લેટિનમ હર્ન પ્રા. લિ.ના સંચાલક સર્વેશ અશોક સુર્વે અને વિક્ટોરિયા કોવલેંકો, સીઇઓ તૌફિક રિયાઝ ઉર્ફે જોન કાર્ટર, જનરલ મેનેજર તાનિયા કેસાતોવા અને સ્ટોર ઇન્ચાર્જ વેલેન્ટિના કુમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસના કહેવા અનુસાર 21 જૂન, 2024થી 30 ડિસેમ્બર, 2024 દરમિયાન છેતરપિંડી આચરાઇ હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મોજોનાઇટ રત્ન ખરીદી કર્યા બાદ તેના પર રોકાણ કરેલા રૂપિયા પર સપ્તાહમાં છ ટકા પ્રમાણે વળતર આપવાનું આશ્વાસન રોકાણકારોને અપાયુંં હતું. શરૂઆતમાં અમુક સમય સુધી વળતર આપવામાં આવ્યું હતું. જોકે 30 ડિસેમ્બર બાદ તેમને કોઇ પણ વળતર અપાયું નહોતું અને રોકેલા રૂપિયા પણ પાછા અપાયા નહોતા.
દરમિયાન દાદર વિસ્તારમાં ટોરેસ કંપનીના કાર્યાલય બહાર રોકાણકારો સોમવારે ઊમટી પડ્યા હતા. કંપની તરફથી અપાયેલા આશ્વાસન અનુસાર વળતર મળી રહ્યું ન હોવાની રોકાણકારોની ફરિયાદ હતી. કંપનીની યોજનામાં અનેક લોકોએ લાખો રૂપિયા રોક્યા હતા. શરૂઆતમાં કંપની પાસેથી કેટલાક હપ્તા આપવામાં આવ્યા, પણ છેલ્લાં બે અઠવાડિયાથી કંપની પાસેથી કશી જ માહિતી આપવામાં આવી ન હોવાનો આક્ષેપ રોકાણકારોએ કર્યો હતો.
ટોરેસ કંપનીના દાદરના કાર્યાલય બહાર લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાની માહિતી મળતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા. કંપનીના પ્રવેશદ્વાર પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાથી કોઇ પણ માહિતી આપવામાં આવી રહી ન હોવાનું રોકાણકારો કહી રહ્યા હતા. દરમિયાન મુંબઈ સહિત નવી મુંબઈ, મીરા-ભાયંદર ખાતે પણ ટોરેસ કંપનીની કચેરી બહાર રોકાણકારોની ગિરદી જોવા મળી હતી. નવી મુંબઈની કચેરી પર તો રોકાણકારોએ પથ્થરમારો કર્યો હોવાનું કહેવાય છે.
રોકાણકારોના જણાવ્યા અનુસાર રોકાણ કરેલી રકમ પર 10 ટકા વળતર દર સપ્તાહે મળશે, એવું આશ્વાસન કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. છેલ્લા વર્ષભરથી આ કંપની વિવિધ સ્થળે કાર્યરત છે અને ડિસેમ્બર સુધી રોકાણકારોને વળતર મળ્યું હતું. જોકે છેલ્લાં બે અઠવાડિયાથી વળતર નથી મળી રહ્યું, એવું રોકાણકારોનું કહેવું છે.
આ પણ વાંચો : ‘એક વાર છોકરીની પાછળ જવું, એ પીછો કરવો ના ગણાય’ બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો!
રોષે ભરાયેલા રોકાણકારો માગણી કરી રહ્યા છે કે રોકાણ કરેલી રકમ તેમને પાછી આપી દો. મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે અમને વ્યાજ નથી જોઇતું, ફક્ત અમારું મુદ્દલ પાછું આપી દો. અહેવાલ અનુસાર નાગરિકોએ ટોરેસ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપની તરફથી કોઇ માહિતી આપવામાં આવી રહી ન હોવાથી રોકાણકારોમાં ગૂંચવાડો ઊભો થયો છે. કંપનીના માલિકો હાલ વિદેશમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.