શિવાજી મહારાજના નામ પર કોઈનો વિશેષાધિકાર નથી, હાઇકોર્ટે મહેશ માંજરેકરની ફિલ્મને મંજૂરી આપી

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે છત્રપતિ શિવાજી મહારાજનું નામ “કોઈપણ સ્વરૂપમાં વિશેષાધિકારનો વિષય ન હોઈ શકે”, એવો ચુકાદો આપતા મહેશ માંજરેકરની નવી મરાઠી ફિલ્મ “પુન્હા શિવાજી રાજે ભોસલે” શુક્રવારે નિર્ધારિત સમયપત્રક મુજબ રિલીઝ થવાનો માર્ગ મોકળો થયો છે.
ગુરુવારે જસ્ટિસ અમિત જામસાંડેકરની વેકેશન બેન્ચના ચુકાદામાં એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટ એલએલપી દ્વારા દાખલ કરાયેલા કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપોને ફગાવી દેતા ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંને ફિલ્મોની સ્ક્રિપ્ટમાં કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપો પ્રથમ દૃષ્ટિએ અયોગ્ય અને પાયાવિહોણા છે.
આપણ વાંચો: મહેશ માંજરેકરની ફિલ્મમાં લાગ્યા છે અંડરવર્લ્ડના પૈસા?
એવરેસ્ટની અરજી મુજબ, કંપની “મી શિવાજી રાજે ભોસલે બોલતોય” ફિલ્મના એકમાત્ર અને વિશિષ્ટ કોપીરાઈટ માલિક હતી, જે ૨૦૦૯ માં માંજરેકરની અશ્વમી ફિલ્મ્સ સાથે રિલીઝ થઈ હતી. ૨૦૧૩ માં, એવરેસ્ટને ફિલ્મના તમામ અધિકારો પ્રાપ્ત થયા. કંપનીએ કહ્યું કે તેને આ વર્ષની શરૂઆતમાં જાણવા મળ્યું કે માંજરેકર એક સિક્વલ પર કામ કરી રહ્યા છે.
હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે એવરેસ્ટ “છત્રપતિ શિવાજીરાજે ભોસલે” અથવા “છત્રપતિ શિવાજી મહારાજ” નામોમાં કોઈ વિશેષાધિકાર દાવો કરી શકે નહીં. “છત્રપતિ શિવાજી મહારાજનું નામ કોઈપણ સ્વરૂપમાં વિશેષાધિકારનો વિષય હોઈ શકે નહીં,” હાઈકોર્ટે કહ્યું. માંજરેકરની ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું કે તે સંપૂર્ણપણે નવી કૃતિ છે અને કોપી નથી.
“મરાઠી ફિલ્મોના જાણકાર અને રસિક પ્રેક્ષકો, પ્રથમ દ્રષ્ટિએ, વાદી (એવરેસ્ટ) દ્વારા આરોપિત કોઈપણ પરિબળો, જેમાં ફિલ્મનું શીર્ષક પણ શામેલ છે, તેનાથી મૂંઝવણમાં કે છેતરાશે નહીં,” હાઈકોર્ટે જણાવ્યું હતું.



