શિવસેના (યુબીટી), કોન્ટ્રાક્ટરોએ ડ્રેનેજ સિસ્ટમ માટે ફાળવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો: આશિષ શેલાર

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે સોમવારે શિવસેના (યુબીટી) પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી અને કોન્ટ્રાક્ટરોએ બ્રિમસ્ટોવૅડ ડ્રેનેજ સિસ્ટમ અને મીઠી નદીની સફાઈ માટેના ભંડોળનો દુરુપયોગ કર્યો છે.
દરમિયાન, વિપક્ષ કોંગ્રેસે વરસાદ પછી મુંબઈની દયનીય સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે ‘વ્યાપક ભ્રષ્ટાચાર’એ મહાનગરને ડૂબાડી દીધું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, શેલારે એવો દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી) અને બીએમસીના કોન્ટ્રાક્ટરોએ મુંબઈને લૂંટ્યું અને 25 વર્ષમાં બ્રિમસ્ટોવૅડ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો નથી.
તેમણે કહ્યું હતું કે, ‘પચીસ વર્ષથી શિવસેના (યુબીટી) અને બીએમસીના કોન્ટ્રાક્ટરોએ મુંબઈને લૂંટ્યું હતું-બીએમસી દ્વારા મુંબઈના રસ્તાઓ પર ખર્ચવામાં આવેલા ત્રણ લાખ કરોડ રૂપિયા શિવસેના (યુબીટી) અને કોન્ટ્રાક્ટરોએ લૂંટ્યા હતા. શિવસેના (યુબીટી)એ પચીસ વર્ષમાં બ્રિમસ્ટોવૅડ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કર્યું નથી, જેનાથી મુંબઈને પૂરથી બચાવી શકાયું હોત.’
‘બીએમસીએ મીઠી નદીની નકલી સફાઈ પાછળ 1,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા,’ એમ પણ તેમણે પોસ્ટમાં કહ્યું હતું.
આ પણ વાંચો…મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…