કેન્ટીન કર્મચારીને માર્યા પછી ગાયકવાડનું નવું નિવેદન, દક્ષિણ ભારતીયો અંગે કરી ટિપ્પણી…

મુંબઈમાં કેન્ટીન કર્મચારીને થપ્પડ મારવાના વાયરલ વીડિયો સામે આક્રોશ ફેલાવ્યાના એક દિવસ પછી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે ફરી એકવાર દક્ષિણ ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણી કરીને નવો વિવાદ ઉભો કર્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે દક્ષિણ ભારતીયોને ફૂડ કોન્ટ્રાક્ટ ન આપવા જોઈએ કારણ કે તેઓ “ડાન્સ બાર અને લેડીઝ બાર” ચલાવે છે, અને તેમને સારું ભોજન કેવી રીતે પીરસવું તે ખબર નથી.
“શેટ્ટી નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? કોન્ટ્રાક્ટ મરાઠી વ્યક્તિને આપો. તેઓ જાણે છે કે આપણે શું ખાઈએ છીએ અને તેઓ સારી ગુણવત્તાનું ભોજન પીરસશે. દક્ષિણ ભારતીયો ડાન્સ બાર, લેડીઝ બાર ચલાવે છે અને મહારાષ્ટ્રની સંસ્કૃતિને બગાડે છે. તેમણે આપણા બાળકોને ભ્રષ્ટ કર્યા છે. તેઓ સારું ભોજન કેવી રીતે પીરસશે?” એકનાથ શિંદેની આગેવાની હેઠળના પક્ષના ધારાસભ્યએ કહ્યું હતું.
બુધવારે, બુલઢાણાના ધારાસભ્યનો કેન્ટીન ઓપરેટર સાથે દુર્વ્યવહાર અને થપ્પડ મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેનાથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ ગુસ્સે થયા હતા.
આ પણ વાંચો : પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી