મુંબઈમાં હવે એક પણ ખાડો નહીં હોય, વિકાસનું બીજું નામ શિવસેના: એકનાથ શિંદે
મુંબઈ કોની, બાળ ઠાકરેની અને બાળ ઠાકરેના વિચારોનો વારસો શિવસેના પાસે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના વિકાસ માટે બે વર્ષમાં કરવામાં આવેલા કામ અને તેમાં કેન્દ્ર સરકારના યોગદાનને ગણાવતાં કહ્યું હતું કે મુંબઈમાં ગયા વખતે છએ છ બેઠકો યુતિએ એટલે કે ભાજપે જીતી હતી અને આ વખતે પણ આનું પુનરાવર્તન કરવાનું છે.
દેશની આર્થિક રાજધાનીના વિકાસ માટે જે રીતે ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે તેને કારણે શહેરની કાયાપલટ થઈ રહી છે. શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જૅમની સમસ્યાને ઉકેલવા માટે ફક્ત રોડના જ કામ નથી થઈ રહ્યા પણ સાથે સાથે મેટ્રો, મોનો, કોસ્ટલ રોડ, વોટર ટ્રાન્સપોર્ટ વગેરે પર કામ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન કેમ?: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ
શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું મોટું કારણ રોડ પર રહેલા ખાડા અને રસ્તાની ખરાબ હાલત જવાબદાર છે અને તેના નિવારણ માટે આખા શહેરના બધા જ રસ્તાઓને સિમેન્ટ કૉન્ક્રીટના બનાવીને ખાડાની સમસ્યાથી મૂક્તિ આપવાનો નિર્ધાર મહાયુતિની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કામની ગતિ જોઈ રહ્યા છો અને તેથી જ હવે આ કામને આવી જ રીતે ચાલુ રાખવા હોય તો ડબલ એન્જિનની સરકાર આવશ્યક છે.
આ પહેલાં જે સરકાર હતી તે કેન્સલ સરકાર હતી. બધા પ્રોજેક્ટ કેન્સલ કરો, કામ કેન્સલ કરો એવું એમનું વલણ હતું. તેમના કાર્યકાળમાં મેટ્રો પ્રોજેક્ટ બંધ થઈ ગયા હતા. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને રોકી નાખવામાં આવ્યો હતો. ડર અને આતંકનું વાતાવરણ શહેરમાં ફેલાઈ ગયું હતું.
આ પણ વાંચો: આનંદ દીઘેની સંપત્તિ પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો: એકનાથ શિંદે
રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર આવ્યા બાદ મેટ્રોના ત્રણ રૂટ ચાલુ કરી દીધા, હવે કલ્યાણ સુધી મેટ્રોનું જાળું પહોંચાડી દીધું. કોસ્ટલ રોડ ચાલુ કરી દીધો, એમટીએચએલ ચાલુ કરી નાખ્યો, અટલ સેતુ ચાલુ કરી નાખ્યો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવે ખોલી નાખ્યો. ડબલ એન્જિન સરકારમાં ઝડપભેર કામ થઈ રહ્યા છે.
દેશની આર્થિક રાજધાની અને વૈશ્ર્વિક શહેર મુંબઈને તેના દરજ્જા પ્રમાણ દર્શાવવા માટે શહેરમાં ઠેર ઠેર સુશોભનના કામ થઈ રહ્યા છે. દક્ષિણ મુંબઈને જે હેરિટેજ લૂક આપવામાં આવી રહ્યો છે તેની પ્રશંસા થઈ રહી છે. મને મારા મુંબઈગરા પર વિશ્ર્વાસ છે કે તેઓ ફરી એક વખત શહેરની બધી જ બેઠકો મહાયુતિને જીતાડીને મોદીના હાથને મજબૂત કરશે.
આ જ મુંબઈ શહેરમાં એક સમયે બસમાં સ્ફોટ, ટ્રેનમાં સ્ફોટ, સ્કૂટરમાં સ્ફોટ થઈ રહ્યા હતા. શ્રેણીબદ્ધ બોમ્બ સ્ફોટ થયા અને શહેર પર આતંકી હુમલો પણ થયો હતો, પરંતુ કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારબાદ છેલ્લા 10 વર્ષમાં કોઈએ મુંબઈ તરફ આંખ ઉંચી કરીને જોયું નથી. મોદી હૈ તો મુમકિન હૈ. આ ચૂંટણીમાં દરેક બેઠક પર મોદી ઊભા છે એમ સમજીને મતદાન કરવાનું છે. મોદીના હાથ મજબૂત કરવા માટે બધી જ બેઠકો પર મહાયુતિના ઉમેદવારોને વિજયી બનાવો એવી હાકલ તેમણે કહી હતી.