ઠાકરે જૂથે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરુ કરીઃ સંભવિત ઉમેદવારોના નામ નક્કી
મુંબઈ: અહમદનગરના શ્રીગોંદામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની નવી ઓફિસના ઉદ્ઘાટન માટે પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે એક મોટી જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બધા પક્ષો ઉમેદવારો નક્કી કરવાની પળોજણમાં પડેલા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાના બે ઉમેદવાર નક્કી કરી લીધા હોય, તેવું સંજય રાઉતે અહેમદનગરમાં કરેલી જાહેરાત પરથી જણાય છે.
તેમણે અહીં ભાષણ વખતે જણાવ્યું હતું કે શિવસેનાના નેતા સાજન પાચપુતે અને સાંસદ નિલેશ લંકેના પત્ની મહારાષ્ટ્ર વિધાનસભામાં જશે. મેં વિચાર્યું નહોતું કે શ્રીગોંડામાં શિવસેનાનું આવું ભવ્ય કાર્યાલય હશે. આ બધું સાજન પાચપુતેના કારણે થયું છે. હવે શ્રીગોંડામાં ઉદ્ધવ ઠાકરે જૂથના જ વિધાનસભ્ય બનશે તેવો માહોલ બની ગયો છે.
વિધાનસભામાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા રાઉતે જણાવ્યું હતું કે અહમદનગર જિલ્લામાં ઉદ્ધવ ઠાકરે જૂથના અચ્છે દિન શરૂ થઇ ગયા હોય તેવું લાગે છે. પહેલા અહીંથી આપણા સાંસદ બન્યા હવે અહીંથી ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય બનશે. હવે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર બનશે.
મહારાષ્ટ્રએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું સ્થાન બતાવી દીધું છે. તેમણે અસલી અને નકલી શિવસેનાની વાત કહી હતી. હવે આપણે નકલી પાચપુતેને હટાવીને અસલી પાચપુતેને લાવવાના છે, તેમ રાઉતે કહ્યું હતું.
આ પણ વાંચો : મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
રાઉતે વધુમાં કહ્યું હતું કે અમે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતને વેચ્યું નથી. મુંબઈના ઉદ્યોગોની પીઠ પર છરો ભોંકીને તે ગુજરાતને સોંપી દેવામાં આવ્યા છે. વિધાન પરિષદની ચૂંટણીમાં એક એક મત પચ્ચીસ પચ્ચીસ કરોડમાં વેંચાયો છે, જ્યારે ખેડૂતોને તેમના માલનો ભાવ નથી મળી રહ્યો, એમ કહીને રાઉતે ટીકા કરી હતી.