આમચી મુંબઈ

શિર્ડી જતી ખાનગી બસને સંગમનેર પાસે નડ્યો ગમખ્વાર અકસ્માત: ત્રણનાં મોત

સામેથી આવેલી કેરી ભરેલી ટ્રક સાથે બસ ટકરાઈ: આઠ જખમી

મુંબઈ: શિર્ડી જતી ખાનગી બસને અહિલ્યાનગર જિલ્લાના સંગમનેર તાલુકામાં નડેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે આઠ ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી લક્ઝરી બસ સામેથી આવેલી કેરી ભરેલી ટ્રક સાથે ટકરાયા બાદ બન્ને વાહન રસ્તા પરથી નીચે ઊતરી ગયાં હતાં.

સંગમનેર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ ફિરોઝ લાલા શેખ (46), અંજુ રવીન્દ્ર વાલ્મિક (39) અને પ્રવીણ સોપાન કાંદળકર (28) તરીકે થઈ હતી. સંગમનેરનો વતની શેખ ટ્રકનો ક્લીનર હતો, જ્યારે અંજુ હરિયાણા અને કાંદળકર સંગમનેરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો: મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી)

સંગમનેરમાં કોલ્હાર-ઘોડી સ્ટેટ હાઈવે પર કોંકણગાંવ નજીક રવિવારની સવારે છ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. લક્ઝરી બસ મુંબઈથી શિર્ડી અને શનિ શિંગણાપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક સંગમનેરથી લોણી તરફ જઈ રહી હતી.
કહેવાય છે કે વરસાદને કારણે ભીના માર્ગ પર બન્ને વાહનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

પૂરપાટ દોડતાં વાહનો સામસામે અથડાયા પછી રસ્તા પરથી નીચે ઊતરી ગયાં હતાં, જેને પગલે વાહનો અને કેરીનું ઘણું નુકસાન થયું હતું. દરમિયાન બન્ને વાહન ટકરાવાને કારણે જોરદાર અવાજ આવ્યો હતો, જે સાંભળીને ગામવાસીઓ દોડી આવ્યા હતા. વાહનચાલકોએ પણ પોતાનાં વાહનો રોક્યાં હતાં અને જખમીઓને હૉસ્પિટલે પહોંચાડવામાં મદદ કરી હતી.

વધુપડતું લોહી વહી જવાને કારણે ત્રણનાં મોત નીપજ્યાં હતાં. બસના આઠ પ્રવાસી જખમી થયા હતા, જેમને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button