શિંદેની કડક ચેતવણી: થાણેના રસ્તા ખાડામુક્ત નહીં થાય તો અધિકારીઓની ખેર નહીં

મુંબઈઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ વાદળછાયું વાતાવરણ રહે છે. ચોમાસુ ગમે ત્યારે ટકોરા મારતું આવી ચડવાના એંધાણ છે. ત્યારે થાણેમાં ગાયમુખ રસ્તાનું કોન્ક્રીટીકરણ હજી પૂરું ન થવાથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદે લાલઘૂમ છે. શહેરના રસ્તાઓ તાત્કાલિક ખાડામુક્ત થવા જોઈએ તેવી સ્પષ્ટ સૂચના તેમના તરફથી લાગતાવળગતાઓને આપવામાં આવી છે.
શિંદેના ધ્યાનમાં એ બાબત લાવવામાં આવી હતી કે વન વિભાગ તરફથી મંજૂરી ન મળવાના કારણે કામ પૂરું થઇ શક્યું નથી. તેનાથી ક્રોધિત નાયબ મુખ્ય પ્રધાને વન વિભાગના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે. જૂના રસ્તાની મરમ્મત કરવામાં તમારી પરવાનગી કરતા લોકોનો જીવ મહત્વપૂર્ણ છે.
સાર્વજનિક હિતના કામોમાં આડા આવશો તો સંબંધિત અધિકારીઓએ કાર્યવાહીનો સામનો કરવો પડશે, આ શબ્દોમાં એકનાથ શિંદેએ અધિકારીઓનો ઉધડો લીધો હોવાનું જાણવા મળ્યું છે.
થાણે જિલ્લામાં ચોમાસું દરમિયાન કોઈ પણ કટોકટીને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બે ટીમ હાજર રાખી છે અને જરૂર પડશે તો ટીડીઆરએફની ટિમ પણ તાત્કાલિક આવી પહોંચશે. તેથી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં શહેરના લોકોને તત્કાળ સહાય પહોંચાડી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રશાસને સતર્ક થઈને, જિલ્લાની બધી મહાનગર પાલિકા અને નગર પાલિકા. તથા ગ્રામીણ વિભાગમાં જોખમી ઇમારતો અને ઘરો શોધીને તેના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ સ્થાનાંતરિત કરવા.
આપણ વાંચો: મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના
જેથી કોઈ મોટી દુર્ઘટના ઘટિત ન થાય. ઉપરાંત સાર્વજનિક બાંધકામ વિભાગ અને સ્થાનિક પ્રશાસનના સમન્વયમાં રસ્તાઓ સરળ વાહનવ્યવહાર યોગ્ય બનાવવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો. જો ખાડા પડે તો પણ તાત્કાલિક તેને ભરવા તેવી તાકીદ તેમણે કરી હતી.
ખાડાના કારણે જો એકપણ વ્યક્તિનું મૃત્યુ થશે તો સંબંધિત અધિકારીને બક્ષવામાં નહીં આવે તેવી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી. જે જગ્યાએ પાણી ભરાવાની શક્યતા છે ત્યાં પમ્પની સુવિધા પણ કરવી, બધા જ હોર્ડિંગનું સ્ટ્ર્કચરલ ઓડિટ કરાવવું, ગેરકાયદે હોર્ડિંગ હટાવવા વગેરે સૂચનાઓ તેમણે આપ્યા હતા.
જિલ્લામાં ખરીફ ઋતુમાં ચોખાની ખેતી મુખ્ય છે તેથી તેનું નિયોજન કરીને આધુનિક તંત્રજ્ઞાનની મદદથી પાકમાં વધારો કેમ કરવો તેના ઉપર કામ થઇ રહ્યું છે. ક્લસ્ટર પદ્ધતિથી ખેતી માટે પ્રયત્નો કરવા વિશે પણ તેમણે સૂચનો આપ્યા હતા.