આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદે VS ઉદ્ધવઃ શિવાજી પાર્કમાં અમે રેલી યોજી હોત પણઃ એકનાથ શિંદેએ કરી ટીકા

મુંબઈઃ દશેરા મહાપર્વને ધ્યાનમાં રાખીને આજે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) વિરુદ્ધ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના નેતાઓ આવ્યા હતા. શિવસેનાના બંને નેતાઓ આમનેસામને આવીને ફરી એક વખત આરોપ-પ્રત્યારોપ કર્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દશેરા રેલીને સંબોધતા કહ્યું હતું કે અમે પણ શિવસેનાની રેલી શિવાજી પાર્કમાં પણ યોજી શક્યા હોત, પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન હોવાને કારણે રાજ્યમાં શાંતિ રહે એ અમારી જવાબદારી છે.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે જવાની નોબત આવી તો હું મારી દુકાન બંધ કરી દઈશ. આજે એવું લાગે છે કે હવે આ પાર્ટી (શિવસેના-યુબીટી) ક્યારે કોંગ્રેસમાં વિલીન થશે એ વાતની ખબર નથી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે બાળાસાહેબ જિંદગીમાં ક્યારેય કોઈને પોતાની પાસે બોલાવ્યા નહોતા. આજે આ જ લોકો તેમના પગમાં પડ્યા છે. જોકે, જનતા એ વાત પણ જાણે છે કે અસલી ગદ્દાર કોણ છે. અસલી મહા ગદ્દાર કોણ છે એ વાત બધાને ખબર છે. હિંદુત્વની વિચારધારા અને બાળાસાહેબના વિચારોને લઈ અમે કામ કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્રમાં ચૂંટણી કરાવો ખબર પડશે અસલી શિવસેના કોણ? ઉદ્ધવ ઠાકરેએ ફેંક્યો પડકાર

દશેરા મહાપર્વ નિમિત્તે આજે ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) દ્વારા દાદરના શિવાજી પાર્ક ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રની વર્તમાન રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. એકનાથ શિંદેની ટીકા કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી કરો અને મહારાષ્ટ્રની જનતા તમને (એકનાથ શિંદે) બતાવશે કે અસલી શિવસેના કોણ છે. હું તમને મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવાનો પડકાર ફેંકું છું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું હું મનોજ જરાંગે પાટિલને અભિનંદન આપું છે. બહુ યોગ્ય અને સત્યના માર્ગે આંદોલન કરી રહ્યા છે. મરાઠા સમાજ, મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજને ન્યાય આપે. બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે જાતિઓના પેટ હોય છે, પરંતુ પેટની કોઈ જાતિ હોતી નથી. આ તમામ જાતિનું પેટ ભરવાનું કામ રાજ્ય સરકારનું છે.

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આ સરકાર મહારાષ્ટ્રમાં બધુ તબાહ કરવામાં વ્યસ્ત છે. તેમણે સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.
શિવાજી પાર્ક ખાતેના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે કે જે લગ્નમાં જાય છે, ભરપેટ ભોજન કરે છે, પછી વર-કન્યાપક્ષના લોકોની વચ્ચે ઝઘડો થાય છે, પછી બીજા લગ્નમાં જમવા જાય છે.

શિવાજી પાર્ક ખાતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવારની સાથે શિવાજી પાર્ક પહોંચ્યા હતા. તમને એ વાત જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેની દશેરા રેલી બીજી વખત યોજી ચૂકયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button