મતદાર ફેર તપાસણીને શિંદે સેનાનું સમર્થન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મતદાર ફેર તપાસણીને શિંદે સેનાનું સમર્થન

મુંબઈ: રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પહેલને શિવસેના (શિંદે)એ સમર્થન આપ્યું છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પારદર્શક રીતે થાય એની તકેદારી રાખવા તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ફરીથી ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ જરૂરી છે એવું વલણ પણ પક્ષે અપનાવ્યું છે.

આગામી બે વર્ષમાં જે જે ઠેકાણે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ તમામ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનીપુનઃ ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચે તાજેતરમાં જ આ અંગે જાહેરાત કરી છે. આ પહેલના બીજા તબક્કાની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના શાસક પક્ષોએ આ પગલાનો વિરોધ કર્યો છે.

આપણ વાચો: ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત, ગુજરાત સહિત 12 રાજ્યમાં આવતીકાલથી SIR પ્રક્રિયા શરૂ થશે…

જોકે, શિવસેના (શિંદે) એ આ પહેલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શિવસેનાના પ્રવક્તા સુશી બહેન શાહે જણાવ્યું હતું કે આ પહેલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને 1951 હેઠળ કાયદાકીય માળખામાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશની લોકશાહી પ્રણાલીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. જો લોકશાહી મજબૂત રાખવી હોય તો સચોટ અને સ્વચ્છ મતદાર યાદી હોવી જરૂરી છે. આ રાજકારણ નથી, આ લોકોના અધિકારોની વાત છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે વસ્તી સ્થળાંતર, શહેરીકરણ અને પ્રાદેશિક ફેરફાર જોવા મળ્યા છે. આવું થવાને કારણે મતદાર યાદીમાં ઘણી ભૂલો જોવા મળી છે તેમજ ડુપ્લિકેટ નામ અને જૂની એન્ટ્રીઓ પણ છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પારદર્શક રીતે સંચાલિત થાય એની તકેદારી રાખવા એસઆઈઆર પ્રક્રિયાનો ઝડપી અને સંપૂર્ણ અમલ થવો જોઈએ એમ સુશી બહેને જણાવ્યું છે.

આપણ વાચો: ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…

એસઆઈઆર પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી થવા નાગરિકોને અપીલ કરી પ્રવક્તાએ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ચૂંટણી પંચના તમામ સૂચનો સાથે સંપૂર્ણ સહકાર આપશે અને દરેક જિલ્લા, બ્લોક અને વોર્ડ સ્તરે એસઆઈઆર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરશે. દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ, નકલી રેકોર્ડ હટાવવા જોઈએ, આ જ સાચી જનસેવા છે, લોકશાહીની પવિત્રતા છે.’

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને આ પ્રક્રિયા જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે. ભારતીય ચૂંટણી પંચે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી છે કે મતદારોની પુનઃતપાસના બીજા તબક્કામાં મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button