શિંદેજૂથના વિધાનસભ્યનું પરાક્રમઃ આકાશવાણી કેન્ટિનના કર્મચારી સાથે કરી મારામારી

મુંબઈ: શહેરની ધારાસભ્ય હોસ્ટેલમાં આવેલી આકાશવાણી કેન્ટીનમાં શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કર્મચારી પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે ખોરાક બગડેલો હોવાનું કારણ આપી આ ઘટનાને યોગ્ય ગણાવી હતી. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. આ ઘટના બાદ કોંગ્રેસ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.
મંગળવારે રાત્રે ગાયકવાડે ધારાસભ્યએ આકાશવાણી કેન્ટીનમાંથી દાળ-ભાત મંગાવ્યા હતા, જે બગડેલા અને દુર્ગંધયુક્ત હોવાનું તેમણે જણાવ્યું. ગુસ્સે ભરાયેલા ગાયકવાડે કેન્ટીનમાં પહોંચીને ઓપરેટર સાથે બોલાચાલી કરી અને બિલિંગ કાઉન્ટર પર ઉભેલા કર્મચારીને થપ્પડ મારી. વીડિયોમાં તેઓ અન્ય કર્મચારીઓ સાથે પણ મારામારી કરતા નજરે પડ્યા હતા.
આપણ વાંચો: Mukesh Ambani નહીં આ વ્યક્તિ પાસે છે 100 કરોડ રૂપિયાની કાર, નામ જાણીને ચોંકી ઉઠશો…
ગાયકવાડે મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમને પોતાની કરતૂતનો કોઈ પસ્તાવો નથી. તેમણે કહ્યું, “જ્યારે લોકો લોકશાહી ભાષા નથી સમજતા, ત્યારે મારે આ ભાષાનો ઉપયોગ કરવો પડે છે.” તેમણે દાવો કર્યો કે તેમણે અગાઉ અનેક વખત સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા. તેમણે પોતાની હિંસાને એમએનએસ અને શિવસેના (યુબીટી)ના કાર્યકરોની હિંસાથી અલગ ગણાવી, કહ્યુ કે તેમણે ભાષા કે પ્રદેશના આધારે હુમલો નથી કર્યો.
કોંગ્રેસે આ ઘટનાને લઈને ગાયકવાડ પર નિશાન સાધ્યું છે, અને યાદ અપાવ્યું કે ગયા વર્ષે તેમણે રાહુલ ગાંધીના અનામત વિશેના નિવેદન પર તેમની જીભ કાપવા માટે 11 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે, અને ગાયકવાડના વર્તન પર સવાલો ઉભા કર્યા છે.