….તો શિંદે જૂથ મહારાષ્ટ્રમાં લોકસભાની આટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે!

મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં સીટ બાબતે રાજકીય પક્ષો દ્વારા વિવિધ જાહેરાત અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ સોમવારે શિવસેના શિંદે જૂથના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિંદે જૂથ લોકસભા ચૂંટણીમાં 18 સીટ પર લડશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિંદે જૂથના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 2019માં શિવસેના ચૂંટણીમાં જે ચાર સીટ પર શિવસેના ચૂંટણીમાં હારી ગઈ હતી તે બાબતનો નિર્ણય સીએમ લેશે. મુંબઈ માટે એક સમન્વય સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે સાંસદ રાહુલ શેવાળે અને મિલિંદ દેવરાને પણ આદેશ આપવામાં આવ્યો છે.
શિવસેના શિંદે જૂથની ગઇકાલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય બાબતે એક નેતાએ કહ્યું હતું કે 2019માં શિવસેનાએ 18 સીટ પર વિજય મેળવ્યો હતો, તેથી આટલી સીટ પર ચૂંટણી લડી શકે છે તેમ જ જે ચાર બેઠક પર હાર થઈ હતી એ બાબતનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લેશે. તમને જણાવવાનું કે મહારાષ્ટ્ર લોકસભામાં કુલ 48 બેઠક છે, જેમાંથી 18 સીટ પર એકનાથ શિંદે જૂથ (શિવસેના) લડશે, એવી જાહેરાત સીએમ શિંદે દ્વારા કરવામાં આવી હતી.