શિંદે સરકાર હવે ઓટો/કેબ ડ્રાઇવરો, ઘરેલું કામદારોને આપશે આર્થિક લાભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની નાગરિકોના કલ્યાણ માટે કામ કરનારી શિંદે સરકારે નાગરિકોને નવી નવી કલ્યાણકારી યોજનાઓ આપવાની ઝુંબેશ ચાલુ રાખી છે. લાડકી બહેન યોજના હેઠળ રાજ્યની 1.5 કરોડ મહિલાઓને દર મહિને રૂ. 1,500ની જાહેરાત કર્યા પછી સરકાર હવે 65 વર્ષથી વધુ ઉંમરના ઓટો/ટેક્સી ડ્રાઈવરોને દર મહિને રૂ. 1,500 અને 55 વર્ષથી વધુ ઉંમરના ઘરેલુ કામદારોને રૂ. 10,000 આપવાની યોજના ધરાવે છે.
વરિષ્ઠ ઓટો/ટેક્સી ડ્રાઈવરોને મોટી રકમ ઉપરાંત સરકાર તાલીમ લઈ રહેલા ડ્રાઈવરોને પણ રોકડ લાભો અને તેમના વાહન અને હોમ લોન પરના વ્યાજમાં સબસિડી આપવાની પણ યોજના બનાવી રહી છે. આ બધા માટે એકનાથ શિંદે દ્વારા નવા રચાયેલા ઓટો-ટેક્સી ડ્રાઈવર્સ વેલફેર બોર્ડ માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરી છે.
પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12 લાખ ઓટો અને ટેક્સી ડ્રાઇવરો છે, જેમાંથી 75,000 ડ્રાઈવર 65 વર્ષથી વધુ ઉંમરના છે. આમાંથી 50 ટકા પાત્ર બનવાની અપેક્ષા છે, કારણ કે તેઓને હજી પણ કામ કરવાની જરૂર છે, એમ જણાવતાં તેમણેે કહ્યું હતું કે આ યોજના માટે વાર્ષિક રૂ. 36 કરોડના ખર્ચની અપેક્ષા રાખીએ છીએ.
આ પણ વાંચો: આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
કૌશલ્ય સુધારણા તાલીમ, ડ્રાઇવરોના બાળકો માટે શિષ્યવૃત્તિ અને જીવન અને અકસ્માત વીમો સહિતની દસ કલ્યાણકારી યોજનાઓ રાજ્યના ઓટો-ટેક્સીચાલકો માટે ઘડી કાઢવામાં આવી છે. આચાર સંહિતા જાહેર થાય તે પહેલા આ યોજનાઓને ધમાકેદાર રીતે શરૂ કરવાની યોજના મુખ્ય પ્રધાન શિંદે બનાવી રહ્યા છે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
ઘરગથ્થુ કામ કરનારાઓ માટે નવેસરથી બનાવવામાં આવેલા કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા 35,000 ઘરેલુ કામગારોને રૂ. 10,000ની કિંમતના ઘરેલુ વાસણોની કીટનું વિતરણ કરવાની યોજના શિંદે સરકાર દ્વારા ઘડવામાં આવી છે. આ ઉપરાંત પંચાવન વર્ષથી ઉપરનાં ઘરેલુ કામગારને રૂ. 10,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવાનું પણ પ્રસ્તાવિત છે.
વાસણોની કીટનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે. બીજી યોજના માટે હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી એવી માહિતી અત્યારે મળી છે. આ યોજના ધામધૂમથી શરૂ કરવામાં આવશે અને તેને માટે પર્યાપ્ત ભંડોળ ફાળવવામાં આવ્યું છે, એવું મુખ્ય પ્રધાન શિંદેની કચેરીમાંથી જાણવા મળ્યું છે.
એકનાથ શિંદેની સરકાર દ્વારા અંદાજે રૂ. એક લાખ કરોડની કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે એમ નાણા વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું. બજેટમાં યોજનાઓની જાહેરાત કર્યા પછી, સરકારે તેમનો વ્યાપ વધાર્યો હતો. દા. ત. ત્રણ મફત સિલિન્ડરની અન્નપૂર્ણા યોજનામાં તમામ લાડકી બહેન યોજનાની લાભાર્થીઓને પાત્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શિંદે સરકારે પોતાના કાર્યકાળમાં અર્થતંત્રને મજબૂત વિકાસ આપી પાટે ચડાવ્યું: મહારાષ્ટ્રના આર્થિક સર્વેનું તારણ
આનાથી હાલના 6 મિલિયનમાંથી ઓછામાં ઓછા 5 મિલિયન વધુ લાભાર્થીઓનો ઉમેરો થયો છે, જે રૂ. 950 કરોડના મૂળ ખર્ચમાં ત્રણ ગણો વધારો કરશે. આવી જ રીતે ખેડૂતોને વીજળી માફી એક વર્ષની જગ્યાએ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી, જેના કારણે રૂ. 6,000 કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડ્યો હતો. લાડકી બહેન યોજના માટેની લાયકાત માટેની 5 એકર જમીન હોલ્ડિંગની મર્યાદાને દૂર કરી તેનાથી લાભાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે, એમ નાણાં ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર પર 2024-25માં રૂ. 7.82 લાખ કરોડનું અંદાજિત દેવું હતું જે નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને રૂ. 8.25 લાખ કરોડ થવાની ધારણા છે. લાડકી બહેન યોજના 17 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવશે, અને તેના પર વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 36,000 કરોડનો ખર્ચ થશે. અન્નપૂર્ણા યોજનામાં 60 લાખ પરિવારોને ત્રણ મફત સિલિન્ડર રૂ. 950 કરોડના ખર્ચે અપાશે. તેવી જ રીતે 10 લાખ રોજગારી યોગ્ય યુવાનોને સ્ટાઈપેન્ડ અને ખેડૂતોને મફત વીજળી જેવી અન્ય યોજનાઓ તિજોરી પર ભારે બોજ નાખશે.