શિવાજી પાર્કમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ દેખાતા શિંદે વિફર્યા, આપ્યું આ નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મુંબઈ ખાતે પૂરી કરી અને રવિવારે શિવાજી પાર્ક ખાતે રેલી યોજી હતી અને સભાને સંબોધી પણ હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે સહિત ‘I.N.D.I.A.’ ગઠબંધનના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભામાં હાજર રહ્યા તેનાથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિફર્યા હોવાનું જણાય છે, કારણ કે તેમણે આ દિવસને બધા જ શિવસૈનિકો માટે કાળો દિવસ હોવાનું નિવેદન આપ્યું હતું.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને નિશાન ઉપર લેતા કહ્યું હતું કે જે શિવતીર્થ ઉપરથી સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેએ આખા હિંદુસ્તાનનું માર્ગદર્શ કર્યું હતું. એ શિવતીર્થ ઉપર વીર સાવરકરનું અપમાન કરનારા રાહુલ ગાંધીના ખોળામાં બેસવાનો વારો આજે તેમના વારસદારનો આવ્યો છે.
આ આ બધા જ શિવસૈનિકો માટે ‘કાળો દિવસ’ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય આમશ્યા પાડવી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા એ નિમિતે બોલતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન તાક્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સાવરકર સ્મારક ઉપર જઇને સૌથી પહેલા માથું ટેકવવું જોઇએ, કારણ કે સાવરકર એ ભારતની અસ્મિતા છે. દેશની અસ્મિતા હોય તેવા વ્યક્તિ ઉપર મન ફાવે તે આરોપ કરવા અને તેમને ગાળો આપવી એ કયું હિંદુત્વ છે?
સાવરકરનું અપમાન થતું સહન કરવું પડી રહ્યું છે એ શિવસૈનિકોનું સૌથી મોટું દુર્ભાગ્ય છે, એમ શિંદેએ વધુમાં જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ’ એ હવે ક્યા મોંએથી બોલશે. એટલે આજનો દિવસ એ શિવસૈનિકો માટે કાળો દિવસ છે.
જે કૉંગ્રેસને કાયમ દૂર રાખી તેની સાથે બેસવાની જગ્યાએ પોતાની દુકાન બંધ કરી નાંખીશ, તેમ બાળાસાહેબે કહ્યું હતું. આજે સત્તા માટે અને મુખ્ય પ્રધાન પદ માટે લોકો તેમની સાથે જઇને બેઠા છે, એમ કહી ઉદ્ધવ ઠાકરે ઉપર શિંદેએ પ્રહાર કર્યા હતા.