શિંદે બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની આવ્યા વ્હારેઃ વિદેશ પ્રધાન સાથે મળી કરી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કટ્ટરવાદી તત્ત્વોએ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને ઉથલાવીને કબજે કરી કોહરામ મચાવ્યો છે અને ખાસ કરીને ત્યાંના લઘુમતિ એટલે કે હિંદુ, ખ્રિસ્તી અને શિખો પર અને તેમના ધાર્મિક સ્થાનો પર હુમલા અને અત્યાચારનો દોર શરૂ કર્યો છે ત્યારે બાંગ્લાદેશમાં ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ, એન્જિનિયરો તેમ જ અન્ય નાગરિકોને બચાવવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચક્રો ગતિમાન કર્યા છે.
બાંગ્લાદેશમાં ફસાયેલા મહારાષ્ટ્રના નાગરિકોને બચાવી સ્વદેશ પાછા લાવવા માટે શું પગલાં લેવાઇ રહ્યા છે એ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમને સલામત ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેની ખાતરી કરી હતી.
એસ. જયશંકરે મુખ્ય પ્રધાન સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ફસાયેલા વિદ્યાર્થીઓ અને નોકરિયાત-વેપારીઓને પાછા લાવવા માટે વિશેષ ઍર-બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા પણ ભારતીયોને કોઇપણ પ્રકારની હાનિ ન પહોંચે અને સુખરૂપ ભારત પાછા આવે એ માટે તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું વિદેશ પ્રધાને શિંદેને જણાવ્યું હતું.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ
શિંદેએ ડેટા એકઠો કરવા બનાવી ખાસ ટીમ
મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એન્જિનિયરો મોટા પ્રમાણમાં બાંગ્લાદેશમાં હોવાનું જણાયા બાદ શિંદેએ તાત્કાલિક ધોરણે વિદેશ ખાતાનો સંપર્ક કર્યો હતો અને વિદેશ પ્રધાન સાથે ચર્ચાની તૈયારી બતાવી હતી.
શિંદેએ એક ખાસ ટીમ તૈયાર કરીને બાંગ્લાદેશ ગયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ, એન્જિનિયર અને અન્ય પ્રોફેશનલ વિશેનો ડેટા(માહિતી સંગ્રહ) એકઠો કરવાની સૂચના આપી હતી, જેથી તેમના ભારત પાછા લાવવામાં મદદરૂપ પુરવાર થઇ શકે. આ સિવાય તેમના ભારતમાં અને મહારાષ્ટ્રમાં તેમના સ્વગૃહે પાછા લાવવા માટે જે પણ મદદની જરૂર હશે તે મદદ પૂરી પાડવા માટેની તૈયારી શિંદેએ બતાવી હતી.