શિંદે જૂથને કોઈ ક્રિમી મંત્રાલય નહીં! અમિત શાહના ઘરે મોડી રાત્રે નડ્ડા-ફડણવીસ વચ્ચે મંથન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મહાયુતિ સરકારે 5 ડિસેમ્બરે સત્તા સંભાળી હતી.
આ બેઠક ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે વિભાગોની ફાળવણીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે થઈ હતી. અમિત શાહ સાથેની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હાજર ન હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવેન્દ્ર ફડણવીસે મહાગઠબંધન સરકારમાં સામેલ પક્ષો વચ્ચે પોર્ટફોલિયોની ફાળવણી અંગે ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થઈ શકે છે. ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ ફાળવવામાં આવે તેવી શક્યતા પણ નથી.
નામ જાહેર ન કરવાની શરતે, ભાજપના નેતાએ કહ્યું હતું કે, ’14 ડિસેમ્બર સુધીમાં કેબિનેટ વિસ્તરણ થવાની સંભાવના છે. શિવસેનાને ગૃહ વિભાગ તો નહીં મળે, શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. મહેસૂલ વિભાગ મળવાની કોઈ શક્યતા જણાતી નથી. ભાજપ મુખ્ય પ્રધાન પદ સહિત 21 થી 22 મંત્રી પદ જાળવી રાખશે અને ચારથી પાંચ મંત્રી પદ ખાલી રાખવામાં આવી શકે છે. પોર્ટફોલિયોની ફાળવણી અંગેની વાતચીતમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે ત્રણ પક્ષો (મહાગઠબંધનના ભાગીદારો – ભાજપ, શિવસેના અને એનસીપી) સામેલ છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.
શિવસેનાના વિધાન સભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે વિભાગોની ફાળવણી રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર પહેલાં થશે, જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. અગાઉ, જ્યારે તેમની દિલ્હી મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, દેવેન્દ્ર ફડણવીસે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન બન્યા પછી તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરવા દિલ્હી જઈ રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી. દેવેન્દ્ર ફડણવીસે 5 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રામેશ્વર નાઈકને મુખ્ય પ્રધાન રાહત ફંડના વડા તરીકે નિયુક્ત કર્યા છે. નાઈકે ભૂતપૂર્વ સીએમ એકનાથ શિંદેના નજીકના ગણાતા મંગેશ ચિવટેનું સ્થાન લીધું છે.
Also Read – એકનાથ શિંદેને મોટો ફટકો, મુખ્યમંત્રી સહાયતા ભંડોળ વિભાગમાંથી વિશ્વાશુંને હટાવ્યા
પોર્ટફોલિયોની ફાળવણી અંગેની અટકળો વચ્ચે શિવસેનાના એક નેતાએ કહ્યું હતું કે પાર્ટી રાજ્યની નવી કેબિનેટમાં ત્રણ પૂર્વ મંત્રીઓને તક નહીં આપવામાં આવે, કારણ કે તેમનું મંત્રી તરીકેનું પર્ફોર્મન્સ યોગ્ય અને જાહેર જનતા માટે પણ સુલભ નહોતુ. તેમની જગ્યાએ પાર્ટી નવા ચહેરાઓને તક આપી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે આ વખતે કેબિનેટમાં જે ત્રણ પૂર્વ મંત્રીઓનો સમાવેશ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાંથી આવે છે. પાર્ટીના ઘણા વિધાન સભ્યોએ એવી ફરિયાદ કરી હતી કે તેમના માટે છેલ્લી મહાયુતિ સરકાર દરમિયાન આ ત્રણેય મંત્રીઓ સુધી પહોંચવું પણ આસાન નહોતું.