શેર ટ્રેડિંગ કૌભાંડ: 33 લાખની છેતરપિંડી આચરવા બદલ ખાનગી બેન્કના અધિકારી, ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ
થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે રૂ. 33 લાખની છેતરપિંડી આચરવા બદલ અગ્રણી ખાનગી બેન્કના વરિષ્ઠ અધિકારી અને તેના ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઈ પોલીસની સાયબર વિંગ દ્વારા ગયા સપ્તાહે ખાનગી બેન્કની ઉલ્હાસનગર બ્રાન્ચના અધિકારી અને તેના ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ કરાઇ હતી, એમ સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું.
આરોપીઓએ પીડિતને શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી હતી અને તેમના કહેવાથી પીડિતે રૂ. 33 લાખ ઓનલાઇન ચૂકવ્યા હતા. તેણે બાદમાં રોકેલી રકમ અને વળતરની માગણી કરતાં આરોપીઓ તેને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા.
આ પણ વાંચો : સેન્સેક્સ અને નિફ્ટીએ નવા વર્ષના પ્રથમ સત્રમાં સર કર્યા નવા શિખર
આથી તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ માટે સાયબર પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરી હતી.
પોલીસ ટીમે બેન્ક ખાતાં શોધી કાઢ્યાં હતાં, જ્યારે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ખાતાંઓ સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ તેમણે ઓળખી કાઢી હતી.
પોલીસે બાદમાં પ્રવીણકુમાર રમેશ મિશ્રા (26) નામના આરોપીને તાબામાં લીધો હતો. મિશ્રાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે ખાનગી બેન્કમાં કાર્યરત અશોક શ્યામલાલ ચોહાણ (27)ની મદદથી પીડિત સાથે છેતરપિંડી આચરી હતી.
આરોપી મિશ્રા રોકાણ પર સારા વળતરની લાલચ આપીને પીડિતોને અશોક પાસે મોકલતો હતો. અશોક પીડિતોના બેન્ક ખાતાં ખોલાવતો અને તેમના ડેબિટ કાર્ડ, ચેકબૂક વિગેરે પોતાની પાસે રાખતો અને તેનો ઉપયોગ છેતરપિીંચ આચરવા કરતો હતો.
આ પણ વાંચો : શેરબજાર નવા વર્ષના પ્રથમ સત્રમાં નવી વિક્રમી સપાટીએ
આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ, આઠ સિમકાર્ડ, બેન્કના સાત ડેબિટ કાર્ડ, બે ચેકબૂક, ત્રણ પાસબૂક અને છ રબર સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પૂછપરછમાં બંનેએ કબૂલ કર્યું હતું કે તેમણે ભારતમાં અન્યત્ર પણ આવા ગુના આચર્યા છે. તેમની વિરુદ્ધ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલો છે. (પીટીઆઇ)