શૅર ટ્રેડિંગમાં અધધધ નફાની લાલચે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ: છ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅર ટ્રેડિંગમાં અધધધ નફાની લાલચે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા છ આરોપીની મુંબઈ પોલીસના નૉર્થ અને વેસ્ટ રિજનના અધિકારીઓએ ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ ઋષભ મોહન શિરોડકર (38), કૃષ્ણા અરુણ ગવળી (24), સોહેલ નઝિર અહમદ શેખ ઉર્ફે જૅક (30), વિપુલ કમલાકર પાટણે (28), અનમોલ રિતેશ શાહી (20) અને શિવમ ઓમપ્રકાશ (26) તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીમાં રહેતા ફરિયાદી સાથે શૅર ટ્રેડિંગના નામે 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન 2.77 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. ફરિયાદીને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. ગ્રૂપના એડમિન અને સભ્યો દ્વારા અપાતી ટિપ્સને અનુસરવાથી શૅર ટ્રેડિંગમાં સારો નફો મળવાની લાલચ ફરિયાદીને અપાઈ હતી.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રોકાણકારોએ ગુમાવ્યા 1.23 કરોડ રૂપિયા: ત્રિપુટી વિરુદ્ધ ગુનો
ફરિયાદમાં જણાવાયું હતું કે બાદમાં આરોપીઓએ તૈયાર કરેલી બનાવટી ઍપ ડાઉનલૉડ કરવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. આ ઍપમાં ફરિયાદીએ કરેલા રોકાણ પર ઊંચો નફો જમા થયાનું દર્શાવાયું હતું. જોકે બાદમાં ફરિયાદીએ રકમ કઢાવવાનો પ્રયાસ કરતાં આરોપી દ્વારા વિવિધ કારણો રજૂ કરાયાં હતાં. આખરે પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આરોપીના જણાવેલા એક બૅન્ક ખાતામાં ફરિયાદીએ 71.22 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પોલીસે એ બૅન્ક ખાતાની વિગતોને આધારે બાન્દ્રા પરિસરમાંથી ત્રણ આરોપી શિરોડકર, ગવળી અને શેખને તાબામાં લીધા હતા. સંબંધિત બૅન્ક ખાતા વિરુદ્ધ 28 પોલીસ ફરિયાદ નોંધાયેલી હોઈ આ ખાતામાં અનેક લોકોને છેતરી 18 કરોડ રૂપિયા જમા થયા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં સિનિયર સિટિઝને 47 લાખ રૂપિયા ગુમાવ્યા
આ જ રીતની ઠગાઈની ફરિયાદ વેપારીએ વેસ્ટ રિજન સાયબર પોલીસમાં નોંધાવી હતી. વેપારીને પણ આ જ રીતે નફાની લાલચમાં સપડાવી 14.95 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે નવી મુંબઈના પનવેલ ખાતેથી ત્રણ આરોપી પાટણે, શાહી અને શિવમની ધરપકડ કરી હતી. આરોપીઓના બૅન્ક ખાતાનો ઉપયોગ 39 સાયબર ગુનામાં થયો હોવાનું તપાસમાં જણાયું હતું. તેમની પાસેથી વિવિધ બૅન્કની 11 પાસબુક, 14 ચેકબુક, 10 એટીએમ કાર્ડ, ખાનગી બૅન્કનો રબર સ્ટૅમ્પ અને મોબાઈલ ફોન્સ હસ્તગત કરવામાં આવ્યા હતા.