શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો | મુંબઈ સમાચાર

શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો

આરોપીના બૅન્ક ખાતા વિરુદ્ધ નાગરિકોને છેતરી નાણાં પડાવવાની 106 ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શૅર ટ્રેડિંગમાં ઊંચો નફો મળવાની લાલચ બતાવી નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરનારી ટોળકીના સભ્યની થાણેમાં ધરપકડ કરાઈ હતી. આરોપીએ ગુનામાં વાપરેલા બૅન્ક ખાતાની વિગતો તપાસતાં દેશભરમાં છેતરપિંડીની 106 ફરિયાદમાં સંડોવણી હોવાનું જણાયું હતું.

નૉર્થ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિનાયક પ્રમોદકુમાર બરનવાલ (28) તરીકે થઈ હતી. દહિસરમાં રહેતી 58 વર્ષની મહિલાને છેતરવાના કેસમાં થાણેના કશેળી ખાતે રહેતા બરનવાલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

આપણ વાંચો: શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી

પોલીસ ફરિયાદ અનુસાર ત્રીજી જૂને ફરિયાદીના વૉટ્સઍપ પર શૅર ટ્રેડિંગમાં સારા નફાને લગતી જાહેરખબર અજાણ્યા નંબર પરથી આવી હતી. ફરિયાદીએ નાણાં રોકવાની તૈયારી દેખાડતાં તેને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. આ ગ્રૂપમાં ટ્રેડિંગ સંબંધી ટિપ્સ, માર્ગદર્શન આપવામાં આવતાં હતાં.

બાદમાં ફરિયાદીને એક શૅર ટ્રેડિંગ પ્લૅટફોર્મ જેવી દેખાતી વેબસાઈટની લિંક મોકલાવી મોબાઈલ ઍપ ડાઉનલૉડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઍપના માધ્યમથી ફરિયાદીએ આરોપીઓનાં જણાવેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં 27.44 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આપણ વાંચો: બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા

આની સામે ફરિયાદીને વેબસાઈટ પર ઊંચો નફો દર્શાવવામાં આવ્યો હતો. જોકે બાદમાં ફરિયાદીએ નાણાં કઢાવવાનો પ્રયાસ કરતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પ્રકરણે ગુનો નોંધી સાયબર પોલીસે ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતો પ્રાપ્ત કરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી.

આરોપીના બૅન્ક ખાતાનો રેકોર્ડ તપાસતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. દેશભરમાં નાગરિકોને છેતરીને પડાવવામાં આવેલાં નાણાં આરોપીના બૅન્ક ખાતામાં જમા થયા હોવાની 106 ફરિયાદ પોલીસને મળી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button