શું તમે સત્તાની મહત્વાકાંક્ષા માટે પરિવારને વિભાજિત કરશો: શરદ પવારે હોમ ગ્રાઉન્ડ બારામતીમાં અજિત પવારની ટીકા કરી
બારામતી: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે મંગળવારે તેમના અલગ થઈ ગયેલા ભત્રીજા અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પર તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે પરિવારને તોડવાનો આરોપ લગાવ્યો હતો.
બારામતી વિધાનસભા ક્ષેત્રમાંથી તેમના પૌત્ર અને એનસીપી (એસપી)ના ઉમેદવાર યુગેન્દ્ર પવાર માટે પ્રચાર કરતા પવારે અજિતની નકલ કરી હતી. અજિત પવાર એક દિવસ અગાઉ એક રેલીમાં યુગેન્દ્રની ઉમેદવારી અંગે લાગણીશીલ બની ગયા હતા. ભાષણની વચ્ચે રૂમાલ વડે આંખો લૂછવાનો ડોળ કરવાની શરદ પવારની ક્રિયાએ શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. મત ગણતરી ત્રણ દિવસ પછી થશે.
સોમવારે એક રેલીને સંબોધતા બારામતીના વિધાનસભ્ય અજિત પવારે યુગેન્દ્રની ઉમેદવારીનો સંદર્ભ આપીને એવો આરોપ લગાવ્યો હતો કે ‘વરિષ્ઠોએ’ પારિવારિક અણબનાવ ટાળવાને સુનિશ્ર્ચિત કરવું જોઈતું હતું.
‘મારા માતા-પિતા અને ભાઈઓએ મને ક્યારેય ઘર (કુટુંબ) તોડવાનું પાપ શીખવ્યું નથી,’ એમ શરદ પવારે બારામતી નજીકના કાન્હેરી શહેરમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું.
‘લોકોએ મને લાંબા સમય પહેલા મહારાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી હતી. હવે હું એક માર્ગદર્શક છું અને નવી પેઢીને પાર્ટીની બાબતો સોંપી છે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: એમવીએમાં સીટોનો મુદ્દો ઉકેલાઈ રહ્યો નથી: શરદ પવારે ભાજપની ટીકા કરી…
રાજનીતિની અનિશ્ર્ચિતતાઓ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે કોઈએ પોતાના માટે સત્તા મેળવવા માટે તેના સાથીદારોને છોડવા જોઈએ નહીં.
‘દુર્ભાગ્યવશ જ્યારે અમે (એનસીપી) સત્તામાં નહોતા, ત્યારે અમારા કેટલાક સાથીદારો પરોઢિયે અચાનક જાગી ગયા અને શપથ લીધા. તે સરકાર ચાર દિવસ પણ ટકી ન હતી,’ એમ પવારે કહ્યું હતું.
‘તે (અજિત) ચાર વખત ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી હોવા છતાં ડેપ્યુટી સીએમ પદ મેળવવા માટે બીજી બાજુ ગયા હતા. તમને મોટાભાગે હોદ્દો મળ્યો છે. જો તમે માત્ર એક જ વાર પદ મેળવવામાં નિષ્ફળ થશો, તો શું તમે ઘર (કુટુંબ) તોડી નાખશો?’ એમ શરદ પવારે પૂછ્યું હતું.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં પરિવાર તોડી નાખ્યો. તે સાંભળવા માટે એક રમુજી બાબત છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: શરદ પવારે જાહેર કરી ત્રીજી યાદી, સ્વરા ભાસ્કરના પતિને મળી મુંબઈની બેઠકની ટિકિટ
પીઢ રાજકારણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પવાર કુળમાં તિરાડ ઊભી કરી નથી અને પરિવારના વડા તરીકે દરેકને તેમને સાંભળ્યા હતા.
શરદ પવારે યાદ કર્યું કે કેવી રીતે તેમણે મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે ઘરેલું મુદ્દાઓ અને ખેતીની કાળજી તેમના પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવતી હતી.
અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતી લોકસભા મતવિસ્તારમાંથી તેમની ભાભી અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે તેમની પ્રથમ ચૂંટણી લડી હતી.
‘લોકસભાની ચૂંટણી દરમિયાન, લોકોને (અજિત દ્વારા) કહેવામાં આવ્યું હતું કે તેઓ લાગણીનો શિકાર ન બને. લોકોને કહેવામાં આવ્યું હતું કે પવાર સાહેબ (શરદ પવાર) આંસુ વહાવશે અને (તેમની પુત્રી સુપ્રિયા સુળે માટે) મત માંગશે,’ એમ શરદ પવારે કહ્યું હતું.
‘તમે ગઈકાલના ભાષણમાં જોયું હશે…’, એમ કહીને તેમણે અજિતની નકલ કરતાં આંસુ લૂછવાનો ડોળ કરતાં રૂમાલ કાઢતાં કહ્યું હતું.