પગમાં પટ્ટીઓ બાંધી અને હાથના ટેકે પહોંચ્યા શરદ પવાર
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે સ્થપાયેલી પ્રતિમા તૂટી પડી એ ઘટનાના વિરોધમાં મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટ-વે ઑફ ઇન્ડિયા સુધી લઇ જવાયેલા મહાવિકાસ આઘાડીના મોરચામાં શરદ પવાર પણ સામેલ થયા હતા.
આ પણ વાંચો: MVA VS Mahayuti: શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે મુંબઈમાં વિરોધ પ્રદર્શન, વિપક્ષના સરકાર પર આકરા પ્રહારો, જાણો કોણે શું કહ્યું?
જોકે તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હોય તેવું જણાતું હતું. તેમના બંને પગમાં પટ્ટીઓ બંધાયેલી જોવા મળી હતી અને તે બીજાના હાથના ટેકે ધીરે ધીરે ચાલી રહેલા દેખાયા હતા. પવાર બીજાનો ટેકો લઇ મોરચામાં સહભાગી થયા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. શરદ પવારે આંદોલન દરમિયાન મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે આ સરકાર ભ્રષ્ટ છે અને શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ છે.
આ પણ વાંચો: ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે આ આંદોલનમાં શરદ પવાર ઉપરાંત મહાવિકાસ આઘાડીના ત્રણેય પ્રમુખ પક્ષોના નેતાઓ અને પદાધિકારીઓ પણ સામેલ થયા હતા. શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મોરચાનું નેતૃત્વ કર્યું હતું જ્યારે કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળે સહિતના દિગ્ગજ નેતાઓ પણ આ મોરચામાં સામેલ થયા હતા.
જ્યારે બીજી બાજુ છત્રપતિ શિવાજી મહારાજના નામે રાજકારણ રમી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા હોવાનો આરોપ મૂકતા મહાવિકાસ આઘાડી અને ખાસ કરીને ભાજપ દ્વારા રાજ્યભરમાં મહાવિકાસ આઘાડીના આંદોલનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.