MVA VS Mahayuti: શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે મુંબઈમાં વિરોધ પ્રદર્શન, વિપક્ષના સરકાર પર આકરા પ્રહારો, જાણો કોણે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે અને આ મુદ્દે રાજકારણ ગરમાતું જાય છે. રવિવારે આ ઘટનાનો વિરોધ કરવા માટે તેમ જ મહાયુતિની સરકારને ઘેરવા માટે વિપક્ષો દ્વારા વિશાળ ‘સરકારને જૂતા મારો’ વિરોધ રેલીનું આયોજન કરાવમાં આવ્યું હતું. બીજી બાજુ મહાયુતિના પક્ષો પણ તેમને વળતો જવાબ આપવા માટે તૈયાર જોવા મળ્યા હતા.
મહાયુતિ અને ખાસ કરીને ભાજપ અને ભાજપની યુવા પાંખ દ્વારા મહાવિકાસ આઘાડીના ‘જોડો(જૂતા) મારો આંદોલન’નો વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી આંદોલન અને મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના દૈવત(દેવતાતુલ્ય પૂજ્ય) શિવાજીના નામે મહાવિકાસ આઘાડી વરવું રાજકારણ રમતી હોવા બદલ મહાયુતિ દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મુંબઈ, થાણે, પાલઘર, છત્રપતિ સંભાજીનગર, નાશિક, રત્નાગિરી, રાયગઢ, જળગાંવ, સિંધુદુર્ગ, કરાડ અને પુણે સહિત આખા રાજ્યમાં મહાવિકાસ આઘાડી વિરુદ્ધ આંદોલન કરાયું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, શરદ પવાર જૂથની એનસીપી અને કૉંગ્રેસ, મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષો દ્વારા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સવારે દસ વાગ્યે ચર્ચગેટના હુતાત્મા ચોકથી ગેટ-વે ઑફ ઇન્ડિયા સુધી મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચામાં શરદ પવાર, કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોળે પણ સામેલ થયા હતા જ્યારે ઉદ્ધવ ઠાકરેએ આ મોરચાનું નેતૃત્વ કર્યું હતું.
મુંહ મેં શિવાજી મહારાજ, બગલ મેં ઔરંગઝેબ: શિંદે
છત્રપતિ શિવાજી મહારાજના નામે વિપક્ષો ફક્ત રાજકારણ ચમકાવી રહ્યા છે એવો આરોપ મૂકતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાવિકાસ આઘાડી પર જોરદાર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન, બંને નાયબ મુખ્ય પ્રધાન અને મેં પણ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બદલ માફી માગી હોવા છતાં વિપક્ષો રાજકીય રોટલા શેકી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રની જનતાએ બે વર્ષ પહેલા તેમનું સ્થાન બતાવી દીધું હતું. તે નામ છત્રપતિ શિવાજી મહારાજનું લે છે, પરંતુ કામ તેમના ઔરંગઝેબ અને અફઝલ ખાન જેવા છે.
આ પણ વાંચો : ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
આમ કહી શિંદેએ વિરોધ પક્ષને આડે હાથ લીધો હતો તેમ જ મહાવિકાસ આઘાડીના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાની ધરપકડ અને અભિનેત્રીમાંથી હવે સાંસદ બનેલા કંગના રનૌતની પ્રોપર્ટીના તોડકામનો દાખલો બતાવી શિંદેએ મહાવિકાસ આઘાડીની સરકાર દરમિયાન મહિલાઓ સુરક્ષિત ન હોવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાનની માફીમાં ‘ગુમાન’ની છાપ: ઉદ્ધવ
ગેટ-વે ઑફ ઇન્ડિયા ખાતે આંદોલનકારીઓને સંબોધતા ઉદ્ધવે જણાવ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી એ ઘટના બદલ મહારાષ્ટ્ર મહાયુતિને માફ નહીં કરે. વડા પ્રધાન મોદીએ માગેલી માફીમાં અભિમાન છલકાતું હતું તેમ કહેતા ઉદ્ધવે જણાવ્યું હતું કે વડા પ્રધાને માફી માગી તેમાં તમે એક વાત ધ્યાનમાં લીધી? તેમાં ગુમાનની ઝલક દેખાતી હતી. વડા પ્રધાન શેની માફી માગી રહ્યા હતા? પ્રતિમા બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર બદલ? અમે અહીં ‘ભાજપ ભારત છોડો’ની માગણી સાથે એકઠા થયા છે.
મહયુતિની ત્રિમૂર્તિના પોસ્ટરને જૂતા મરાયા
ઉદ્ધવ ઠાકરે તેમ જ કૉંગ્રેસના નેતાઓએ આંદોલન દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પોસ્ટરને ચપ્પલ મારી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઘટના શિવપ્રેમીઓનું અપમાન
આંદોલનમાં ભાગ લેનારા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદચંદ્ર પવાર) જૂથના પ્રમુખ શરદ પવારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થઇ તે સરકારમાં લથબથતા ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. આ ઘટના શિવાજી મહારાજને માનનારા દરેક શિવપ્રેમીઓના અપમાન સમાન હતી.
ફરી નહીં આવવા દઇએ શિવદ્રોહી સરકાર: કૉંગ્રેસ
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળે પણ કાર્યકરો સાથે આ આંદોલનમાં સહભાગી થયા હતા અને આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમે સૌથી પહેલા તો શિવાજી મહારાજની માફી માગીએ છીએ કે આવી શિવદ્રોહી સરકારને અમે સત્તામાં આવવા દીધી. અમે પ્રતિજ્ઞા લઇએ છીએ કે આવું ફરીથી નહીં થવા દઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફી ફક્ત આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માગી છે.