બેઠકોની વહેંચણી મુદ્દે શરદ પવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે 10 દિવસમાં…

મુંબઈ: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો ફેંસલો ક્યારે આવશે તેની રાહ જોવાઇ રહી છે ત્યારે એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ બેઠકોની વહેંચણી કરી લેશે.
શરદ પવારે બેઠકોની વહેંચણીની યોજના વિશે કહ્યું હતું કે ત્રણેય પક્ષો સાથે મળીને બેસીને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે. અમે કોઇ કઇ બેઠક પરથી લડશે એ વિશે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આગામી દસ દિવસમાં આ વિશે અંતિમ ફેંસલો લઇ લેવામાં આવશે.
આ ઉપરાંત મુંબઈમાં કોણ કઇ બેઠક પરથી લડશે એ વિશે પણ અંતિમ તબક્કામાં ચર્ચા ચાલી રહી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. ઉમેદવારોની પસંદગી અંગે તેમણે કહ્યું હતું કે અમે સૌપ્રથમ ઉમેદવાર પસંદ કરીશું અને તેના આધારે બેઠકોની વહેંચણી કરીશું. અમારા બધા એક નિર્ણય પર સંમત થાય ત્યાર પછી અમે લોકો સામે તેની જાહેરાત કરીશું.
આ પણ વાંચો : મુંબઈની બેઠકોની વહેંચણીમાં ઉદ્ધવ-શરદ પવારના અક્કડ વલણથી કૉંગ્રેસમાં નારાજગી…
ચૂંટણીમાં ગત લોકસભા ચૂંટણીના પરિણામોથી મહાવિકાસ આઘાડી ઉત્સાહિત હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)માં કૉંગ્રેસને એક અને અમારા પક્ષને ફક્ત ચાર બેઠકો પર જીત મળી હતી. જ્યારે આ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ 30 બેઠકો પર જીત હાંસલ કરી હતી. આ પરિણામો પરથી સાબિત થાય છે કે લોકો પરિવર્તન માટે ઉત્સુક છે