શરદ પવારે કહ્યું મની લોન્ડરિંગ એકટનો થઇ રહ્યો છે દૂરઉપયોગ, મનમોહન સિંહને ચેતવ્યા હતા

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શરદ પવારે શનિવારે આક્ષેપ કર્યો કે વિપક્ષ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો દુરુપયોગ થઈ રહ્યો છે. આમાં સુધારાની જરૂર છે. મુંબઈમાં શિવસેના (UBT)સાંસદ સંજય રાઉતના પુસ્તક ‘હેવન ઇન હેલ’ ના વિમોચન પ્રસંગે સાંસદ શરદ પવારે આ વાત કહી હતી.
મેં કહ્યું હતું કે આ સુધારો ન કરવો જોઇએ : પવાર
શરદ પવારે એક જૂની વાત ટાંકી અને વિગતવાર સમજાવ્યું કે તેમણે પીએમએલએ કાયદાની જોગવાઈનો વિરોધ કર્યો હતો. શરદ પવારે યાદ કરતાં કહ્યું, મને યાદ છે કે તે સમયે હું કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રી હતો. તે સમયે પી ચિદમ્બરમ મારા સાથી હતા. ચિદમ્બરમે કાયદામાં સુધારો કરવાની જરૂરિયાત અંગે કેબિનેટ સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તે પ્રસ્તાવ વાંચ્યા પછી મે ડૉ. મનમોહન સિંહને કહ્યું કે આ પ્રસ્તાવ ખૂબ જ ખતરનાક છે. મેં કહ્યું હતું કે આ સુધારો ન કરવો જોઇએ.
ચિદમ્બરમ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ થયો
તેમણે કહ્યું કે આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જેમાં આરોપીએ સાબિત કરે તેણે કોઈ ગુનો કર્યો નથી અને તે ગુનેગાર નથી. મેં સ્પષ્ટપણે આનો વિરોધ કર્યો. મેં કહ્યું હતું કે જો કાલે સરકાર બદલાશે તો આપણે પણ તેના પરિણામો ભોગવવા પડી શકે છે. પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. સરકાર બદલાઈ અને ચિદમ્બરમ સામે પહેલું કડક પગલા લેવામાં આવ્યા. તેમની ધરપકડ કરવામાં આવી ત્યાં સત્તાનો દુરુપયોગ થયો હતો.
આપણ વાંચો: ઇસરોનું EOS-09 સેટેલાઈટ મિશન નિષ્ફળ, ત્રીજા તબક્કામાં તકનીકી ખામી સર્જાઇ
એનડીએ શાસનમાં 21 લોકો સામે કાર્યવાહી
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, એનડીએ શાસનમાં 21 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. યુપીએના સમયગાળા દરમિયાન 9 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. એનડીએ શાસનમાં કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, શિવસેના, ડીએમકે, બીજુ જનતા દળ, આરજેડી, બીએસપી, એસપી, ટીડીપી, આપ, માર્ક્સવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, એમએનએસ, એઆઈએડીએમકે, ટીઆરએસ જેવા પક્ષોના નેતાઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યા હતા. શરદ પવારે કહ્યું કે ઘણા લોકોને આના પરિણામો ભોગવવા પડ્યા છે.