મત ચોરીના મુદ્દે ગઠબંધનમાં એકમત, લોકોમાં આ મુદ્દો ઉઠાવીશું: શરદ પવારની સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પંચ અને ભાજપ પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ‘મત ચોરી’ના આરોપો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે વિપક્ષ એક થઈને આ મુદ્દો ઉઠાવશે અને દેશના નાગરિકો સમક્ષ તેને ઉજાગર કરશે.
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ પણ ચૂંટણીના પરિણામોનો અભ્યાસ કરી રહ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ‘મત ચોરી’નો આરોપ લગાવ્યો હતો, જેમાં ભારતીય ચૂંટણી પંચ પર શાસક ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે ચૂંટણી સંસ્થાએ ‘એક વ્યક્તિ, એક મત’ સિદ્ધાંત લાગુ કરવાની પોતાની ફરજ બજાવી નથી.
કોંગ્રેસના નેતાએ 2024ની લોકસભાની ચૂંટણીના ડેટાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે કર્ણાટકમાં બેંગલોર સેન્ટ્રલ લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં પાંચ પ્રકારની હેરાફેરી દ્વારા 1 લાખથી વધુ મત ‘ચોરી’ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…
આ મુદ્દા વિશે વાત કરતા પવારે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણીપંચ દ્વારા (ભૂતકાળની) ચૂંટણીઓના પરિણામોનો પણ અભ્યાસ કરી રહ્યા છીએ અને દેશના લોકો સમક્ષ મત (મત ચોરી)નો મુદ્દો યોગ્ય રીતે રજૂ કરીશું. નક્કર યોજના બનાવવામાં બે અઠવાડિયા લાગશે.’
‘અમને ચૂંટણીપંચ પાસેથી કોઈ અપેક્ષા નથી,’ એમ પણ પવારે કહ્યું હતું અને ચૂંટણી પંચ દ્વારા માગવામાં આવેલા મતદાર યાદીના આરોપો પર સોગંદનામું રજૂ કરવાના રાહુલ ગાંધીના ઇનકારને વાજબી ઠેરવ્યો હતો.
‘ત્રણસો સાંસદો ચૂંટણીપંચ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા અને તેમની ધરપકડ કરવામાં આવી,’ એમ તેમણે કહ્યું હતું.
એનસીપી (એસપી)એ કહ્યું હતું કે બિહારમાં રાહુલ ગાંધીની જાહેર સભાઓને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આક્ષેપો: તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જાઓ: એકનાથ શિંદે…
243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યોજાવાની શક્યતા છે.
બિહાર આર્થિક રીતે પછાત હોઈ શકે છે, પરંતુ તે રાજકીય રીતે જાગૃત છે, એમ તેમણે કહ્યું હતું.
‘મહાત્મા ગાંધીએ ચંપારણથી સત્યાગ્રહ શરૂ કર્યો હતો, જેપી નારાયણે બિહારમાંથી કટોકટી સામે આંદોલન શરૂ કર્યું હતું. આ રાજ્યે કર્પૂરી ઠાકુર જેવા ઘણા નેતાઓ આપ્યા છે,’ એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.