અજિત પવારના બારામતીથી ન લડવાના નિવેદન અંગે શું બોલ્યા શરદ પવાર?
મુંબઈ: બારમતી એ પવાર કુટુંબની પરંપરાગત બેઠક મનાય છે અને શરદ પવારથી છૂટા પડ્યા પછી પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી દરમિયાન પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અજિત પવાર બારામતી બેઠક પરથી લડવાની ઇચ્છા નથી ધરાવતા
એવું નિવેદન તેમણે આપ્યું હતું.
અજિત પવારે આપેલા નિવેદન બાદ તેમના કાકા શરદ પવારે આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સાર્વજનિક જીવનમાં કે રાજકીય જીવનમાં ચૂંટણી લડવાનો નિર્ણય પ્રત્યેક વ્યક્તિનો અંગત હોય છે અને તે નિર્ણય લેવાનો તેને અધિકાર હોય છે. જ્યાં અનુકૂળ વાતાવરણ હોય એ પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે, પરંતુ અજિત પવારના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તેની મને જાણ નથી.
આ ઉપરાંત શરદ પવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘વન નેશન વન ઇલેક્શન’ની વાત કરે છે અને બીજા જ દિવસે ત્રણ રાજ્યોમાં ચૂંટણીની જુદી જુદી તારીખો જાહેર થાય છે. એટલે વડા પ્રધાન જે
બોલે છે તેનું વધુ મહત્ત્વ હોય તેવું નથી જણાતું.
આ પણ વાંચો: CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ
સંભાજી ભિડે પ્રતિક્રિયા આપવાને લાયક નથી: શરદ પવાર
શિવ પ્રતિષ્ઠાન હિંદુસ્તાન સંગઠનના પ્રમુખ સંભાજી ભિડે ગુરુજીએ મરાઠા અનામત બાબતે મત વ્યક્ત કરતા કહ્યું હતું કે મરાઠા સમાજ એ દેશને ચલાવનારો અને સક્ષમ સમાજ છે. મરાઠા સમાજે અનામત માગવાની શું જરૂર છે. મરાઠા એટલે વાઘ સિંહ છે અને તેમને અનામત માગવાની જરૂર નથી.
સંભાજી ભિડેએ આપેલા નિવેદન વિશે પવારને પ્રશ્ર્ન પૂછવામાં આવતા તે રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે સંભાજી ભિડે એ કોઇ પ્રતિક્રિયા આપવા લાયક વ્યક્તિ નથી. કોઇના વિશે પણ પ્રશ્ર્ન પૂછવાના હોય? લાગે છે કે દરજ્જો જ સાવ ઉતરતી કક્ષાનો થઇ ગયો છે. સંભાજી ભિડે અને જેવા તેવા લોકો વિશે સવાલ પૂછાય છે.