PM મોદીના અપમાન અને સીટ શેરિંગને લઈને શરદ પવારે આપ્યું મોટું નિવેદન

મુંબઇઃ એનસીપીના પ્રમુખ શરદ પવારનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઇને મોટું નિવેદન બહાર આવ્યું છે. શરદ પવારે જણાવ્યું હતું કે, અમારે પીએમ મોદી સાથે મતભેદો છે એ વાત સાચી, પણ વિદેશમાં કોઇ અમારા વડા પ્રધાનને વખોડે અને તેમનું અપમાન કરે તે અમને સ્વીકાર્ય નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. હકીકતમાં પીએમ મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા. તેમણે ચોથી જાન્યુઆરીએ લક્ષદ્વીપની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે હવે આપણા દેશના લોકોએ પર્યટન માટે માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઇએ. ત્યાર બાદ માલદીવની મુઇઝુ સરકારના મંત્રીએ પીએમ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા યુઝર્સે માલદીવને આડે હાથ લીધું હતું અને તેની આકરી ટીકા કરી હતી. આ મુદ્દે જ શરદ પવારે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. શરદ પવારે ભગવાન રામને લઇને પણ નિવેદન આપ્યું હતું. પવારે જણાવ્યું હતું કે રામ આસ્થાનો વિષય છે. રામ માંસાહારી હતા એવું નિવેદન જિતેન્દ્ર આવ્હાડે ના આપ્યું હોત તો સારુ થાત. બિલ્કિસ બાનો કેસ અંગે શરદ પવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ઉદેશ્ય સામાન્ય લોકોને મદદરૂપ થવાનો છે.
ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેચણી અંગે તેમણે જણાવ્યું હતું કે આ વિષય પર ગઠબંધનમાં ચર્ચા કરવામાં આવશે. અમારા પક્ષ તરફથી જિતેન્દ્ર આવ્હાડ આમાં હાજરી આપશે. અમે પ્રકાશ આંબેડકરને પણ ગઠબંધનમાં સામેલ કરવાનો મુદ્દો ઉઠાવીશું.