ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તે ‘વોટ જેહાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે અને ‘બટેંગે તો કટંગે (વિભાજીત થઈ જશે)’ જેવા સૂત્રોનો ઉપયોગ કરીને ચૂંટણીને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : નવાબ મલિકને મોટી રાહતઃ જામીન રદ કરવાની અરજી કોર્ટે ફગાવી
સિનિયર પવારે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘વોટ જેહાદ’ શબ્દ બનાવ્યો હતો અને તેનું કારણ એ હતું કે લઘુમતીઓએ કેટલાક લોકસભા મતવિસ્તારોમાં એમવીએના ઉમેદવારોને મત આપ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ચોક્કસ સમુદાયો મોટી સંખ્યામાં રહે છે. પૂણેના કેટલાક વિસ્તારોમાં જેવી રીતે, હિન્દુ સમુદાય મોટી સંખ્યામાં રહે છે અને તેઓ ભાજપને મત આપે છે. અમને આદત પડી ગઈ છે કે આ વિસ્તારોમાં આ રીતે મતદાન થાય છે પરંતુ અમે તેને જેહાદ જેવું નથી માનતા. અમે તેને ધાર્મિક રંગ નથી આપતા, પરંતુ તેને તેમની વિચારધારા તરીકે માનીએ છીએ. આમ, ફડણવીસ અને તેમના સાથીદારો દ્વારા ‘વોટ જેહાદ’ જેવા શબ્દોનો ઉપયોગ એ ચૂંટણીને ધાર્મિક આધાર પર લેવાનો પ્રયાસ છે, એમ પવારે કહ્યું હતું.
તેમણે લોકપ્રિય કલ્યાણ યોજનાઓની ટકાઉપણું, ખેતીની તકલીફ, મહિલાઓ સામે ‘વધતા’ અત્યાચારો, કૃષિક્ષેત્રની મુશ્કેલીઓ અને ઘટતી જતી રોજગારીની તકો વગેરેને ચૂંટણીના પરિણામોને અસર કરતા મુદ્દાઓ તરીકે ઓળખાવ્યા અને ઉમેર્યું કે 23 નવેમ્બરે જ્યારે મતોની ગણતરી કરવામાં આવશે ત્યારે આ સ્પષ્ટ થઈ જશે.
‘લોકો પરિવર્તન ઈચ્છે છે અને તેઓ પરિવર્તન લાવશે. તેઓ મહા વિકાસ આઘાડી (એમવીએ) સાથે ઊભા રહેશે,’ એમ જણાવતાં તેમણે દાવો કર્યો હતો કે રાજ્યનું એકંદર વાતાવરણ તેમને 2019 ની ચૂંટણીઓની યાદ અપાવે છે જ્યારે ‘લોકો મૌન રહ્યા હતા, પરંતુ મતદાનના દિવસે પ્રતિક્રિયા આપી હતી.
શરદ પવારે કહ્યું હતું કે, શાસક ગઠબંધન દ્વારા જાહેર કરાયેલી કલ્યાણ યોજનાઓની મતદારો પર બહુ અસર નહીં થાય. તેઓએ લોકોને ખુશ કરવા માટે રોકડ ટ્રાન્સફરની યોજનાઓ રજૂ કરી. જો કે, આ યોજનાઓ કેટલો સમય ચાલશે તેની માહિતી તેઓએ આપી નથી.
‘છેલ્લા બે વર્ષમાં મહિલાઓ સામે હિંસાના 67,000 કેસ નોંધાયા છે. ડેટા સૂચવે છે કે રાજ્યના ગૃહ પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ)ના મતદારસંઘ નાગપુર સહિત રાજ્યમાં લગભગ 64,000 મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે, એવો તેમણે દાવો કર્યો હતો.
પક્ષો તોડીને સંસ્કારી રાજકારણ બગાડનારાઓને હરાવો: શરદ પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારે મતદારોને વિનંતી કરી છે કે જેઓએ પક્ષો અને પરિવારોને તોડીને અને સામાજિક વિભાજન કરીને રાજ્યની સંસ્કારી રાજનીતિને બગાડી છે તેમને નકારી કાઢો.
શનિવારે મરાઠી અખબારોમાં પ્રકાશિત જાહેર અપીલમાં પીઢ રાજકારણીએ જણાવ્યું હતું કે રાજ્યનું ગૌરવ અને મહિમા પુન:સ્થાપિત કરવું એ સમયની જરૂરિયાત છે.
પવારે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર એક સંસ્કારી, પ્રગતિશીલ, મજબૂત અને સ્વાભિમાની રાજ્ય છે. તેણે રાષ્ટ્રને માત્ર રસ્તો જ બતાવ્યો નથી, પરંતુ સંકટ સમયે તેની સાથે ઊભા રહ્યા છે. જો કે, વર્તમાન શાસકો દિલ્હીના હાથમાં પ્યાદા બની ગયા છે.
તેમણે મહાયુતિના નેતાઓ પર છત્રપતિ શિવાજી મહારાજ, જેમની પ્રતિમા આ વર્ષે ઓગસ્ટમાં તૂટી પડી હતી અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા રાજ્યના પ્રતિકોનું અપમાન કરવા માટે ‘તત્પર’ હોવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: આખરે શરદ પવારે મુખ્ય પ્રધાન માટે કરી મનની વાત…
‘બંધારણીય પદ ધરાવતા વ્યક્તિએ સાવિત્રીબાઈ અને જ્યોતિબા ફૂલેના લગ્ન જીવન પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ભ્રષ્ટાચારને કારણે શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડી હતી,’ એમ પવારે જણાવ્યું હતું.