શરદ પવારે અયોધ્યા મુદ્દે નિવેદન આપતા સર્જાયો વિવાદ, ભાજપે આપ્યો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યા અને શ્રી રામ ભગવાનના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીમાં છેલ્લાં અનેક વખતથી એકબીજા પર ટીકાસ્ત્રો છોડવામાં આવતા હોય છે, પણ હવે રાજકારણની હૂંસાતૂંસીમાં ચૂંટણી સમયે સીતા માતાનો મુદ્દો પણ ચગ્યો છે. એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે અયોધ્યાના રામ મંદિરમાં સીતા માતાની મૂર્તિ નહીં હોવા બાબતે નિવેદન આપતા મોટો હોબાળો મચ્યો છે.
બારામતી ખાતે સભાને સંબોધતા વખતે સરકાર પર નિશાન સાધતા શરદ પવારે કહ્યું હતું કે તમે રામ ભગવાનનું તો બધુ જ કરો છો, પરંતુ ત્યાં સીતાની મૂર્તિ શા માટે નથી? રામ મંદિર બની ગયું અને હવે લોકો તેની ચર્ચા નથી કરતા. જોકે, મંદિરમાં સીતા માતાની મૂર્તિ શા માટે નથી તેવો સવાલ મહિલાઓ પૂછી રહી છે, એમ શરદ પવારે કહ્યું હતું.
શરદ પવારના આ સવાલનો ભાજપે પણ જવાબ આપ્યો હતો અને સીતા માતાની મૂર્તિ શા માટે અયોધ્યાના મંદિરમાં નથી તે સ્પષ્ટ કર્યું હતું. ભાજપના આધ્યાત્મિક એકમના પ્રમુખ આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું હતું કે અયોધ્યા એ શ્રી રામની જન્મભૂમિ છે અને એટલે ત્યાં સ્થાપિત કરાયેલી મૂર્તિ એ બાળસ્વરૂપ છે અને આ વાત આખી દુનિયા જાણે છે.
જોકે તમારા જેવા અણસમજુ વ્યક્તિને એ વાત ન ખબર હોય એ સ્વાભાવિક છે. ધર્મની જે બાબતમાં તમારું જ્ઞાન ન હોય તેમાં માથું ન મારવું. તમારું જાતિ ભેદભાવનું અને હિંદુ ધર્મ વિરુદ્ધનું રાજકારણ આખું મહારાષ્ટ્ર જાણે છે, એવા શબ્દોમાં ભોસલેએ શરદ પવારને વળતો જવાબ આપ્યો હતો.