સાયરસ પૂનાવાલાને ‘ભારત રત્ન’ આપવાની આ દિગ્ગજ નેતાએ સરકારને કરી અપીલ

મુંબઈ: ડૉક્ટર સાયરસ પૂનાવાલા નામ તમે પહેલા ક્યારેય નહીં તો કોરોનાકાળ વખતે તો ચોક્કસ સાંભળ્યું હશે. તેમની સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાની વેક્સિન તૈયાર કરી તે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મોકલવામાં આવી. તેમને ભારત રત્ન આપવામાં આવે, એવી વિનંતી શરદ પવારે કરી છે.
હાલ પોતાના ભત્રીજા અજિત પવાર જૂથે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) સાથે છૂટી પડી એ જ પક્ષનું નામ લીધું અને ચૂંટણી ચિહ્ન લઇ લીધું ત્યારથી સમાચારોમાં છવાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે કરેલી આ વિનંતીનું કારણ તેમણે કોરોના કાળ દરમિયાન કરેલું યોગદાન છે, તેવું શરદ પવાર જણાવે છે.
શરદ પવારે કેન્દ્રને વિનંતી કરતા કહ્યું હતું કે વિશ્ર્વમાં પાંચમાંથી ત્રણ બાળકોને આપવામાં આવતી રસી (વેક્સિન) સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આરોગ્ય અને રસીકરણના ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા તેમને ફક્ત પદ્મશ્રી કે પદ્મભૂષણનું સન્માન આપી સંતોષ ન લેતા તેમને ભારત રત્ન આપવામાં આવે, તેવી કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે.
એક કાર્યક્રમમાં ડૉક્ટર સાયરસ પૂનાવાલાને વિશેષ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તે સમારોહમાં હાજર શરદ પવારે ઉક્ત અરજી કેન્દ્ર સરકારને કરી હતી.
ડૉ.સાયરસ પૂનાવાલા પોતાના સહપાઠી હોવાની વાત વાગોળતા પવારે કહ્યું હતું કે હું અને સાયરસ પૂનાવાલા એક જ વર્ગમાં હતા, પણ અભ્યાસ ક્યારેય નહોતા કરતા. અમારો મોટાભાગનો સમય કૉલેજની કેન્ટિનમાં જ વીતતો. એ વખતથી સાયરસ પૂનાવાલાના મગજમાં રસીકરણ કેવી રીતે કરવું, રસી કેવી રીતે બનાવવી એ જ બધા વિચારો ઘૂમ્યા કરતા. ત્યાંથી જ સિરમ ઇન્સ્ટિટ્યૂટનો જન્મ થયો, એમ પવારે જણાવ્યું હતું.
ડૉ.પૂનાવાલાએ એવૉર્ડ સ્વીકારતા કહ્યું હતું કે એક ચાના કપની કિંમતમાં બાળકોને રસી મળી રહે તે લક્ષ્ય હાંસલ કરવામાં મારા કુટુંબ અને સંસ્થાનું મોટું યોગદાન છે. ત્રીસથી ચાલીસ વર્ષ પૂર્વે સંસ્થા શરૂ કરવામાં ડૉક્ટર ધારિયાનું પણ મોટું યોગદાન રહ્યું હતું. તેના કારણે આજે કરોડો બાળકોના પ્રાણ બચે છે તે સંતોષજનક બાબત છે.