આમચી મુંબઈ

શરદ પવાર અને અમિત શાહ વચ્ચે સરકાર બનાવવા માટે મુલાકાત? અજીત પવારના દાવા એ મચાવ્યો ખળભળાટ

મુંબઇઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. એવામાં શાસક મહાયુતિના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એવો દાવો કર્યો છે જેનાથી રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અજિત પવારે દાવો કર્યો છે કે 2019માં જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધનની વાત થઈ હતી, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ તે બેઠકમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ભાજપ સાથે ગયા એની શરદ પવારને સંપૂર્ણ જાણકારી હતી. અમિત શાહ અને શરદ પવાર વચ્ચે ગુપ્ત બેઠકો પણ થઈ હતી.


Also read: એકનાથ શિંદેની સામે ‘ગદ્દાર-ગદ્દાર’ના સૂત્રોચ્ચાર કર્યાં એટલે કાફલો રોકી પહોંચ્યા…


તાજેતરમાં મીડિયાને આપેલી એક મુલાકાતમાં અજિત પવાર 2019માં દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને પોતાને ડેપ્યુટી સીએમ બનાવીને ટૂંકા ગાળાની સરકાર બનાવવા પહેલા થયેલી ચર્ચાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પવારે જણાવ્યું હતું કે, ‘અમિત શાહ, ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, ફડણવીસ અને પવાર સાહેબ… બધા મીટિંગમાં હાજર હતા…’ જ્યારે અજિત પવારને સવાલ કરવામાં આવ્યો કે NCP અને BJP વચ્ચે વૈચારિક મતભેદો હોવા છતાં તમે તેમની સાથે મળીને સરકાર બનાવવા તૈયાર થયા? ત્યારે તેના જવાબમાં અજિત પવારે જણાવ્યું હતું કે 2014માં પણ NCPએ મહારાષ્ટ્ર સરકારને બહારથી સમર્થન આપ્યું હતું.

શરદ પવારે ભાજપ સાથે જોડાણનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ અજિત પવારે તે સમયે NCP-BJP ગઠબંધનની જાહેરાત કરીને બળવો કર્યો હતો. અજિત પવારે વહેલી સવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા અને દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા. લોકોને જ્યારે આ બાબતની જાણ થઇ ત્યારે બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા અને શરદ પવારના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી. જોકે, અજિત પવારનો બળવો માત્ર 80 કલાક જ ચાલ્યો હતો. અજિત પવાર NCPમાં પાછા ફર્યા હતા. થોડા દિવસો બાદ NCP અને શિવસેનાએ કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારની રચના કરી હતી.


Also read: મહા વિકાસ અઘાડીના દરેક જણ ડ્રાઈવરની સીટ માટે લડી રહ્યા છે પીએમ મોદી…


આ મામલે ભાજપે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ પાર્ટીના એક સૂત્રએ અજિત પવારના દાવાને પડકાર્યો છે. તેમણે કહ્યું છે કે અજિત પવારે દાવો કર્યો હતો કે બેઠક પાંચ વર્ષ પહેલા થઈ હતી, જ્યારે આવી બેઠક 2017માં થઈ હતી. 2017માં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર હતી અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હતી. શરદ પવારની પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુળેએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવી કોઇ ગુપ્ત બેઠકની તેમને જાણ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button