શરદ પવાર કે અજિત પવાર – કોણ વાસ્તવિક ચાણક્ય
એનસીપીના વિલીનીકરણ અંગે શરદ પવારની ટિપ્પણીને પીછેહઠના સંકેત તરીકે જોવામાં આવે છે. અજિત પવાર જાણે છે કે તેમના કાકા વાટાઘાટો કરવાની સ્થિતિમાં નથી, આથી ભત્રીજાને કોઈ ઉતાવળ નથી

વિપુલ વૈદ્ય
મુંબઈ: વરિષ્ઠ રાજકીય નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવાર હાલમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. છ મહિના પહેલાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમના જૂથની અને મહાવિકાસ આઘાડીની હાર બાદ રાજ્યમાં સમગ્ર વિપક્ષની સુસંગતતા પર પ્રશ્નાર્થ છે.
ગયા અઠવાડિયે, પવારે પક્ષના તેમના જૂથ અને તેમના ભત્રીજા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથ વચ્ચે વિલીનીકરણની શક્યતાનો સંકેત આપ્યો હતો. રાજ્યમાં સત્તાધારી મહાયુતિ સરકારનો ભાગ અજિત પવારનો જૂથ છે તે બદલાયેલી પરિસ્થિતિમાં આને સુસંગત રહેવા માટેનો છેલ્લો તંતુ માનવામાં આવતો હતો.
શરદ પવારના જૂથમાં અસ્વસ્થતા વધી રહી છે કારણ કે કેટલાક વિધાનસભ્યોએ અજિત પવારની પાર્ટીમાં વિલયની તરફેણ કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. એવું પણ અનુમાન છે કે પવાર સિનિયર દ્વારા તેમના જૂથમાંથી પક્ષપલટો રોકવા માટે વિલીનીકરણની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
આપણ વાંચો: કૃષિમાં એઆઈના ઉપયોગ અંગેની ચર્ચા કરવા શરદ પવાર અને અજિત પવાર એક મંચ પર
શરદ પવારના જૂથ પાસે 288 સભ્યોની વિધાનસભામાં ફક્ત 10 વિધાનસભ્યો છે, જ્યારે 2024માં તેમણે રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી આઠ જીતી હતી. અજિત પવારના જૂથ પાસે ફક્ત એક લોકસભાની બેઠક છે, પરંતુ નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ તત્કાલીન એમવીએ માટે મોટો આંચકો હતી, જેમાં શરદ પવારની એનસીપી-એસપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટી અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો.
વિપક્ષની હાલત એટલી દયનીય છે કે કોઈ પણ પક્ષ વિધાનસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવા માટેનું સંખ્યાબળ પણ મેળવી શક્યો નથી. ગઈ વિધાનસભામાં, અવિભાજિત એનસીપી પાસે 54 બેઠકો હતી. આ વખતે, અજિત પવારની એનસીપીએ વિધાનસભામાં 40થી વધુ બેઠકો મેળવી છે.
વિલય અંગે 84 વર્ષીય શરદ પવારની ટિપ્પણીને પીછેહઠના સંકેત તરીકે જોવામાં આવે છે. વિલય માટેના કોઈપણ પગલાથી પોતાને દૂર રાખવા માટે, શરદ પવારે કહ્યું હતું કે તે તેમની પુત્રી અને તેમના જૂથના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે અને અજિત પવાર દ્વારા નક્કી કરવામાં આવશે.
આપણ વાંચો: હેટ્રિક… શરદ પવાર અને અજિત પવાર 10 દિવસમાં ત્રીજી વખત સાથે આવશે, નવો કાર્યક્રમ, નવું સ્થળ અને સમય
જોકે, ભત્રીજાએ બંને જૂથોને એકસાથે લાવવા માટે કોઈ પણ પ્રકારની હિલચાલ થઈ રહી હોવાનો સ્પષ્ટ ઇનકાર કરીને વિલીનીકરણની વાટાઘાટો પર ઠંડુ પાણી રેડ્યું હતું. કદાચ અજિત પવાર જાણે છે કે તેમના કાકા વાટાઘાટો કરવાની સ્થિતિમાં નથી અને તેથી જ ભત્રીજાને કોઈ ઉતાવળ નથી.
અત્યારે અજિત પવાર જે રીતે કાકાની હાકલનો પ્રતિસાદ આપવામાં વિલંબ કરી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે અજિત પવાર વિલીનીકરણ પોતાની શરતો પર કરાવવા માગે છે અને કાકાના છટકામાં સહેલાઈથી ફસાવા માગતા નથી.
તેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો પણ એક દૃષ્ટિકોણ છે. મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલ, જે રાજ્ય ભાજપના ભૂતપૂર્વ વડા છે, તેમણે બંને એનસીપી જૂથો વચ્ચેના વિલીનીકરણની અટકળોને રદિયો આપ્યો હતો. એક રીતે તેનો અર્થ એ થયો કે જ્યાં સુધી શાસક ગઠબંધનમાં નિર્ણય લઈ રહેલી ભાજપ મંજૂરી ન આપે ત્યાં સુધી કંઈ થવાનું નથી.
આપણ વાંચો: અજિતદાદાના દીકરાની સગાઈમાં શરદ પવાર, સુપ્રિયા સુળે હાજર…
સુળેએ વિલય તરફના કોઈપણ પગલાને નકારી કાઢ્યો હતો, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શરદ પવારને વિલયની જરૂર છે કારણ કે એનસીપી વહેલા કે મોડા ધોવાણનો ભોગ બનશે, કારણ કે ભાજપ જે પક્ષોને તોડવાની કળામાં નિપુણ છે, તે રાહ જોઈ રહી છે.
વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન અને અલગ થયા પછી અજિત પવાર હવે શરદ પવાર પ્રત્યે આકર્ષાયા નથી, જેમણે પોતાનો વારસો તેમને સોંપવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમની પુત્રીને તેમના કુદરતી રાજકીય ઉત્તરાધિકારી તરીકે ઉછેર્યા હતા.
સુળે દાયકાઓથી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યારે અજિત પવાર મહારાષ્ટ્રમાં અવિભાજિત એનસીપીના મામલાઓ પણ સંભાળી રહ્યા છે.
સંભવિત વિલીનીકરણ અંગેની અફવાઓ એક પરીક્ષણ ફુગ્ગો હોઈ શકે છે, અને જ્યારે હાલ માટે તેને નકારી કાઢવામાં આવી છે, તે દર્શાવે છે કે આવનારા દિવસો અને અઠવાડિયામાં મહારાષ્ટ્રમાંથી વધુ રાજકીય નાટકની અપેક્ષા રાખવી જોઈએ. મહારાષ્ટ્રની અંદર રાજકીય સમીકરણોમાં ફરીથી ગોઠવણીની પણ અપેક્ષા રાખી શકાય છે.