આમચી મુંબઈ

ઠાકરે મહારાષ્ટ્રના નથી, મગધથી આવ્યા છે, હવે મરાઠી મુદ્દે રાજકારણ કરે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

મને નથી લાગતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનું જોડાણ લાંબું ચાલશે કારણ કે સમય સાથે તેમની વિચારધારાઓ બદલાઈ ગઈ છે એમ પણ કહ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રમાં ગાજી રહેલા મરાઠી અને હિન્દીના મુદ્દા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાજ ઠાકરે – ઉદ્ધવ ઠાકરે અંગે એવું નિવેદન કર્યું છે જેને કારણે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાની શક્યતા છે. ઠાકરે ભાઈઓએ ત્રિ-ભાષાના સૂત્ર અનુસાર પહેલીથી ત્રીજી ભાષા શીખવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દે બંનેની એકતા જોઈને એવી ચર્ચા હતી કે આ ઠાકરે ભાઈઓના એક સાથે આવવાની શરૂઆત હતી. શંકરાચાર્યે ગુરુવારે કહ્યું હતું કે ઠાકરે પરિવાર મગધથી મહારાષ્ટ્ર આવ્યો હતો અને આ બંને ભાઈઓ ફક્ત મરાઠીના નામે રાજકારણ કરી રહ્યા છે.

મરાઠી ભાષાના પ્રચાર અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, ‘જો કોઈ મરાઠીનો પ્રચાર કરી રહ્યું છે, તો કોઈ તેેમને રોકવાનો પ્રશ્ર્ન જ નથી, પરંતુ જો કોઈ મરાઠીને લોકપ્રિય ભાષા બનાવવા માટે આવા રસ્તા અપનાવી રહ્યા છે તો વાસ્તવમાં શું તે મરાઠીને સફળ બનાવશે કે નુકસાન પહોંચાડશે? એવું નથી કે ફક્ત મહારાષ્ટ્રમાં રહેતા લોકો જ મરાઠીને પ્રેમ કરે છે. આખો દેશ મરાઠીને પ્રેમ કરે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ક્યાંથી આવી? ઘણા નામો લઈ શકાય છે, પરંતુ હિન્દી આપણા દેશની રાજભાષા છે. અવિમુક્તેશ્વરાનંદે એમ પણ કહ્યું છે કે રાજ્ય શું દેશની બહાર ઘણા એવા ભાગો છે જ્યાં મરાઠી બોલાય છે.

આ પણ વાંચો: પહેલગામ હુમલા મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું મોટું નિવેદન

તેઓ મહારાષ્ટ્રની બહારના ઠાકરે છે

અત્યારે જેઓ મરાઠીનો આગ્રહ રાખીને આંદોલનો કરી રહ્યા છે તેઓ મહારાષ્ટ્રની બહારના ઠાકરે છે. તેમના પોતાના પરિવારના દાદા-દાદીએ જે લખ્યું છે એના આધારે જ હું આ કહી રહ્યો છું. જ્યારે તમે મગધથી અહીં આવ્યા છો, ત્યારે શું તમે મહારાષ્ટ્રીયન બની જાઓ છો? મહારાષ્ટ્રે મગધથી આવેલા ઠાકરેને સ્વીકાર્યા. તેમને એટલા મોટા વ્યક્તિ બનાવ્યા કે તેમના વંશજો હવે મરાઠી માટે લડી રહ્યા છે. શું તમે મરાઠીને થપ્પડ મારતી ભાષા બનાવવા માગો છો, એવી ભાષા જેમાં લોકોને માર ખાવો પડે છે? રાજ ઠાકરેએ એવું નિવેદન કર્યું હતું કે જે લોકો મરાઠી નથી બોલતા તેમને થપ્પડ મારજો પણ વીડિયો ન બનાવતા. એક માણસ ખુલ્લેઆમ લોકોને ગુનો કરવા માટે ઉશ્કેરી રહ્યો છે અને પુરાવા ન છોડવાની સલાહ આપી રહ્યો છે એમ જણાવતાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે સરકારે આની નોંધ લેવી જોઈએ.

આ પણ વાંચો: દેશમાં કોઇને પણ ગાય વિશે બોલવાની પરવાનગી નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

રાજ અને ઉદ્ધવ ઠાકરેની વિચારધારાઓ અલગ છે

ઠાકરે વિશે હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી નહીં કરું, પરંતુ મને નથી લાગતું કે આ બંને ભાઈઓ વચ્ચેનું જોડાણ સફળ થશે. કારણ કે રાજ ઠાકરેની રાજકારણ કરવાની રીત અલગ છે. ઉદ્ધવ ઠાકરેની રાજકારણ કરવાની રીત અલગ છે. ઉપરાંત, તેમના વર્તમાન સાથીદારોની નીતિઓ પણ અલગ છે. તેથી, આ બંને ભાઈઓ લાંબા સમય સુધી સાથે કામ કરી શકશે નહીં. કારણ કે રાજ ઠાકરે એક સમુદાયનું નેતૃત્વ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે હવે સર્વ સમાવિષ્ટ વિચારક બની ગયા છે. હિન્દીનો વિરોધ અને મરાઠીનો આગ્રહ તેમનો મુદ્દો નથી. તેઓ આ બધા દ્વારા ફક્ત રાજકારણ કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ આ સમજે છે. એમ અવિમુક્તેશ્વરાનંદે થોડા સમય પહેલાં એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી ત્યારે કહ્યું હતું.

હિન્દી રાષ્ટ્રીય ભાષા ન હોય, તો પણ તે રાજભાષા છે – અવિમુક્તેશ્વરાનંદ

મરાઠીની ઓળખ એક અલગ બાબત છે. લોકો હિન્દીમાં કેમ બોલે છે? કારણ કે દેશમાં લોકો સાથે સંવાદ શક્ય બને છે. સારું, આ લોકો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે અને અંગ્રેજીને સમર્થન આપી રહ્યા છે. એવું કેમ છે? તમે વિશ્ર્વ સાથે સંપર્કમાં રહેવા માગો છો. તમે અંગ્રેજી દ્વારા વિશ્ર્વ સાથે સંપર્કમાં રહેવા માગો છો, તો હિન્દીનો વિરોધ કેમ કરો છો? હિન્દી ભારતની રાજભાષા છે. અહીં, સરકારી કામકાજ મરાઠીમાં ચલાવવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાંથી લોકો મુંબઈ આવે છે. જોકે, મુંબઈ જેવા ભાગને છોડી દઈએ તો મહારાષ્ટ્રમાં અન્ય સ્થળોએ મરાઠી જ બોલાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button