ગરમી મેં ઠંડા-ઠંડા કુલ કુલઃ મધ્ય રેલવેમાં AC લોકલમાં પ્રવાસીઓ વધ્યા પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન મુંબઈમાં એસી લોકલ ટ્રેનની સર્વિસ શરુ કરવામાં આવ્યા પછી ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ પર્યાપ્ત સર્વિસ નહીં હોવાથી અમુક લોકોમાં તેના પ્રત્યે અગણગમો પ્રવર્તે છે. આમ છતાં ગરમીના દિવસોમાં એસી લોકલ પ્રવાસીઓ માટે આશીર્વાદસમાન છે. પશ્ચિમ રેલવેમાં પહેલા લોન્ચ કર્યા પછી મધ્ય રેલવેમાં પૂરતી સર્વિસ નથી છતાં ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ મોટી વાત છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આમ છતાં મધ્ય રેલવેમાં એસી લોકલની સર્વિસ પર્યાપ્ત નથી, એ મોટી સમસ્યા છે. માર્ચ મહિના દરમિયાન મધ્ય રેલવેમાં 20 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી, પરંતુ એસી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાની સંખ્યા વધી એ બાબતને રેલવે પણ મનાઈ કરતી નથી.
એસી ટ્રેનમાં રેગ્યુલર (પાસધારક) પ્રવાસીઓ માટે પીક અવર્સમાં પણ ટિકિટ વિના મુસાફરી કરનારાની સંખ્યા વધી છે, તેનાથી તેમને ટ્રાવેલ કરનારાને હાલાકી વધી છે. આ ઉપરાંત, એસી લોકલ ટ્રેનના કારણે નોન-એસી લોકલ ટ્રેનના ટાઈમટેબલ પર અસર પડે છે, પરંતુ ભાડું વધારે હોવાથી હજુ પણ પર્યાપ્ત સંખ્યામાં પ્રવાસીઓ મળતા નથી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં તમામ કોરિડોરમાં એસી લોકલ ટ્રેન દોડાવવાની બોર્ડની યોજના છે, પરંતુ તેને તબક્કાવાર બદલવામાં આવશે. એસી લોકલમાં રેગ્યુલર ટિકિટ ચેકિંગ કરવામાં આવે છે, જ્યારે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરાય છે. છેલ્લા પાંચ મહિનામાં 20.67 લાખથી વધુ લોકોએ એસી લોકલમાં મુસાફરી કરી હતી, જ્યારે પંદર હજારથી વધુ લોકોને દંડ કરવામાં આવ્યો હતો. પાંચ મહિનામાં મધ્ય રેલવેમાં એસી લોકલને કારણે 53.66 લાખની આવક થઈ હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં રોજના સરેરાશ એક લાખથી વધુ લોકો એસી લોકલમાં પ્રવાસ કરે છે, જ્યારે મધ્ય રેલવેમાં રોજની 66 અને પશ્ચિમ રેલવેમાં 96 સર્વિસીસ છે. પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં પણ સર્વિસસ વધારવાની ડિમાન્ડ કરવામાં આવે છે. આમ છતાં અમુક લોકો જડબેસલાક વિરોધ કરે છે, તેથી સર્વિસ વધારવાનું મુશ્કેલ છે. હાર્બર લાઈનમાં પણ નબળા પ્રતિસાદને કારણે એસી લોકલ દોડાવવાનું બંધ કર્યું હતું.