આમચી મુંબઈ

ભાયખલાના પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાધનું મૃત્યુ આઠ દિવસ સુધી પાલિકા પ્રશાસન મૃત્યુ બાબતે મૌન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય ખાતે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના સિદ્ધાર્થ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલય, છત્રપતિ સંભાજીનગરમાંથી અન્ય રોયલ બંગાળ ટાઈગર કરિશ્મા સાથે લાવવામાં આવેલા રોયલ બંગાળ ટાઈગર શક્તિનું ૧૭ નવેમ્બર, ૨૦૨૫ના મૃત્યુ થયું છે. પાણી સંગ્રહાલયના અધિકારીએ જણાવ્યું હતું કે શક્તિનું બપોરના ૧૨.૧૫ વાગે ૯.૬ વર્ષની ઉંમરે ન્યૂમોનિયા થયા બાદ તેની શ્ર્વાસ લેવાની સિસ્ટમ બંધ થવાથી તેનું મૃત્યુ થયું હતું.

ભાયખલાના પ્રાણીબાગમાં નાના બાળકો સહિત તમામ વર્ગના પર્યટકોમાં શક્તિ અને કરિશ્મા માનીતા હતા. આ રોયલ બંગાળ વાધની જોડીને એક્સચેન્જમાં લાવવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલયના ડાયરેકટર ડૉ.સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શક્તિનું મૃત્યુ એક આઘાત સમાન છે, કારણકે શક્તિ માંદો હોય તેવા કોઈ લક્ષણો તેનામાં જણાયા નહોતા. શનિવાર, ૧૫ નવેમ્બરના તેણે અન્ન ગ્રહણ કર્યું નહોતુું. તેથી તેને ડૉકટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. તેમ જ પાણીમાં દવા નાખીને તેને આપવામાં આવી હતી. ૧૬ નવેમ્બર, રવિવારના તેણે મરધાનું થોડું માંસ અને પાણી લીધું હતું ત્યારબાદ તેને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. સોમવાર, ૧૭ નવેમ્બરના તેને તપાસ કરવા માટે પાંજરામાં લઈ રહ્યા હતા ત્યારે તે અચાનક તેને આંચકો આવ્યો હતો અને બપોરના સવા બાર વાગે તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેનામાં કોઈ પણ પ્રકારની બીમારીના લક્ષણો જણાયા નહોતા.

પોસ્ટમાર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ શક્તિનું મૃત્યુ ન્યૂમોનિયા થઈને શ્ર્વસન ક્રિયા બંધ (પાયોગ્રૅન્યુલોમૅટસ ન્યૂમોનિયા) થઈ જવાથી થયું છે. પોસ્ટમાર્ટમનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોસ્ટમાર્ટમ ટીશ્યુ સેમ્પલ પણ વધુ વિશ્ર્લેષણ માટે નાગપુરમાં વાઈલ્ડલાઈફ રિસર્ચ એન્ડ ટ્રેનિગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલયના પ્રોટોકોલ મુજબ વાઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ વાઘના મૃત્યુની વિગતવાર માહિતી ૧૮ નવેમ્બરના રોજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને મહારાષ્ટ્ર ઝૂ ઓથોરિટીને ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી છે. દેશમાં લોકડાઉન લાગુ થાય તે પહેલા શક્તિ અને કરિશ્માની જોડીને મુંબઈ લાવવામાં આવી હતી પણ કોરોનાને પગલે તેમને જોવા માટે મુંબઈગરાને રાહ જોવી પડી હતી. છેક ફેબ્રુઆરી, ૨૦૨૧માં પ્રાણી સંગ્રહાલય ખુલ્યું હતુંપણ બાદમાં કોવિડની બીજી લહેરને પગલે પ્રાણી સંગ્રહાલય ફરી બંધ થયું હતું અને પછી ઓક્ટોબર ૨૦૨૧માં ફરી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

પ્રાણીબાગમાં હવે માત્ર મા-દીકરો બચ્યા
શક્તિને છેલ્લે ૧૪ નવેમ્બર, શુક્રવારના પર્યટકોને જોવા માટે મૂકવામાં આવ્યો હતો. શક્તિ અને કરિશ્માની જોડીને વીરા, જય અને રુદ્ર નામના ત્રણ બચ્ચા હતા. તેમાંથી જય અને રુદ્રાનો જન્મ ચાર નવેમ્બર, ૨૦૨૨ના થયો હતો. જયારે વીરાનો જન્મ નવેમ્બર, ૨૦૨૧માં થયો હતો. જોકે વીરાનું મે, ૨૦૨૨માં આરોગ્યની સમસ્યાને લીધે મૃત્યુ થયું હતું. એ બાદ રુદ્રાનું પણ મૃત્યુ થયું હતું. તેથી હવે પ્રાણીબાગમાં હવે માત્ર મા-દીકરો જ બચ્યા છે.

આપણ વાંચો:  એમએમઆરસી મેટ્રો-થ્રીના સ્ટેશનોને જોડતા સબ-વે બાંધશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button