આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેને ઝટકો! ખૂબ જ નજીકના નેતા શિવસેના (યુબીટી) છોડી દેશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં પાંચ લોકસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે બીજા તબક્કાના મતદાન પહેલા ઉદ્ધવ ઠાકરે માટે ઘણું ટેન્શન આવી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના મિલિંદ નાર્વેકર શિવસેના (યુબીટી) છોડી શકે છે. વાસ્તવમાં, મિલિંદ નાર્વેકર શિવસેના (યુબીટી)ના સચિવ છે અને વર્ષોથી ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક પણ હતા. હવે ેમને એનડીએ તરફથી ચૂંટણી લડવાની ઓફર મળી હોવાનું કહેવાઈ રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મિલિંદ નાર્વેકરને એનડીએ દ્વારા દક્ષિણ મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી છે. શિવસેના (યુબીટી)ના નેતા અરવિંદ સાવંત પણ દક્ષિણ મુંબઈથી ચૂંટણી મેદાનમાં છે. તે જ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટીને એનડીએ હેઠળ આ બેઠક લડવા માટે મળી છે. આ પહેલાં ભાજપના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મિનિસ્ટર મંગલપ્રભાત લોઢા અને શિવસેનાના નેતા યશવંત જાધવના નામ આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ચર્ચામાં આવ્યા હતા.

આપણ વાંચો: ‘ઉદ્ધવ ઠાકરે સાથે મંથરા છે, તે…..’, જાણો દેવેન્દ્ર ફડણવીસે કોની કરી ટીકા

મિલિંદ નાર્વેકર હંમેશા ઠાકરે પરિવાર સાથે

અહીં જાણવું અત્યંત આવશ્યક છે કે મિલિંદ નાર્વેકર બાળાસાહેબ ઠાકરેથી લઈને ઉદ્ધવ ઠાકરે સુધી શિવસેના માટે કામ કરતા રહ્યા છે. તેમની ઓળખ ઠાકરે પરિવારના હનુમાન તરીકેની બની ગઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે પણ શિવસેના સંકટનો સામનો કરતી હતી ત્યારે નાર્વેકર મહત્વની ભૂમિકા ભજવતા હતા અને પાર્ટીને સંપૂર્ણ રીતે સમર્પિત રહેતા હતા.
જો મિલિંદ નાર્વેકર શિવસેના (યુબીટી) છોડે એને ઉદ્ધવ ઠાકરે માટે ચૂંટણી પહેલાંનો મોટો ફટકો ગણી શકાય છે. મિલિંદ નાર્વેકર ફક્ત વરિષ્ઠ નેતા જ નથી અત્યંત અંગત અને વિશ્ર્વાસુ હોવાને કારણે પાર્ટી વિશે ઘણી બધી બાબતો જાણે છે. આવી સ્થિતિમાં તેમનું એનડીએમાં સામેલ થવું ઉદ્ધવ ઠાકરે માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

કોણ છે મિલિંદ નાર્વેકર?

56 વર્ષના મિલિંદ નાર્વેકર અગાઉ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ હતા. વર્ષ 2018માં તેમને શિવસેનાના સચિવ બનાવવામાં આવ્યા હતા. 1994થી નાર્વેકરે પાર્ટીમાં મોટી જવાબદારી નીભાવી હતી. એક સમય તો એવો આવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવા માંગતા પક્ષના કાર્યકરો અને નેતૃત્વ વચ્ચેનો સંપર્ક તેમના દ્વારા જ થઈ શકતો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button