સરકારી ભથ્થું અને લાભ ન મળતા શાહિદની પત્નીની હાઈ કોર્ટમાં ધા
મુંબઈ: શહીદ થયેલા જવાનોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ભથ્થું અને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે, પણ શહીદ મેજર અનુજ સુદના પરિવારને સરકારી યોજના કે કોઈપણ ભથ્થાંનો લાભ ન મળતો હોવાનો દાવો શહીદ મેજર અનુજ સુદના પત્નીએ કર્યો હતો. તેમ જ તેમને આ દરેક સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે એવી માગણી પણ કરી હતી.
શહીદ મેજર અનુજ સુદના પત્નીએ હાઈ કોર્ટમાં સરકાર દ્વારા શહીદ જવાનોના પરિવારને આપવામાં આવતા લાભ ન મળતા હોવાનો આરોપ રાજ્ય સરકાર પર લગાવ્યો હતો. સુદના પત્નીની અરજી બાદ અદાલતે આ કેસ પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો.
અદાલતે સુનાવણીમાં ચુકાદો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર જ આ કેસમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી આ નિર્ણય બંને પક્ષને માન્ય હોવાની સાથે તેના પર ઉચ્ચ સ્તરે વિચાર કરવામાં આવે એવો આદેશ અદાલતે આપ્યો હતો.
2020માં જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી હુમલામાં મેજર અનુજ સુદનું 30 વર્ષની વયે મૃત્યુ થયું હતું. સુદને શૌર્ય ચક્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુદના પરિવારને શહીદ જવાનોના પરિવારને મળતા ભથ્થાંને નકારવામાં આવતા સુદની પત્નીએ અદાલતમાં અરજી દાખલ કરી હતી.
અનુજ સુદનું કુટુંબ છેલ્લા 15 વર્ષથી પુણેમાં રહે છે, આ સાથે સુદને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા એટલે તેમની વીરપત્ની અને કુટુંબને સરકારી ભથ્થાંની રકમ સાથે વિવિધ સરકારી યોજનાનો લાભ આપવામાં આવે એવી માગણી સુદની પત્નીના વકીલે કરી હતી. આ દલીલ સામે સરકારી પક્ષના વકીલે કહ્યું હતું કે અનુજ સુદ મૂળ મહારાષ્ટ્રના નથી, તેઓ સ્થળાંતર કરીને રાજ્યમાં આવ્યા છે. આ કારણને લીધે તેમના કુટુંબને ભથ્થું અને બાકીના સરકારી લાભ નકારવામાં આવ્યા છે.